UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomy નો દરજ્જો મળ્યો
માન્યતા મેળવનારી ગુજરાત યુનિવર્સિટી બની રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા UGC (Categorisation of Universities [Only] for Grant of Graded Autonomy) Regulations, 2018 હેઠળ ગુજરાત યુનિવર્સિટીને Category-II University તરીકે ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ માન્યતા આપવામાં આવી છે. આ સાથે જ, UGC Category-II Graded Autonomy અને તેના તમામ અનુસંગી લાભો મેળવનારી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર રાજ્યની પ્રથમ અને એકમાત્ર સ્ટેટ યુનિવર્સિટી બની છે.
UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomy મળવાના પરિણામે હવે યુનિવર્સિટી પોતાની સ્વાયત્તતા હેઠળ UGCની પૂર્વમંજૂરી વિના જ વર્તમાન માળખામાં નવા અભ્યાસક્રમો, વિભાગો, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે. આ ઉપરાંત, National Skills Qualification Framework (NSQF) મુજબ ઉદ્યોગસંલગ્ન તેમજ રોજગારલક્ષી નવા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરી શકાશે. એટલું જ નહીં, મંજૂર અધ્યાપકોની સંખ્યા ઉપરાંત ૨૦% સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત નિમણૂક કરી શકાશે અને સ્થાનિક વિદ્યાર્થી ક્ષમતા ઉપરાંત ૨૦% સુધી વિદેશી વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપી શકાશે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) દ્વારા પણ પોતાના શૈક્ષણિક કાર્યક્રમોનો વ્યાપ વધારી શકશે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય બીજ નિગમનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ
ગુજરાત યુનિવર્સિટીની આ ઐતિહાસિક ઉપલબ્ધિ બદલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ યુનિવર્સિટી પરિવાર, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઉપલબ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીને મળેલું આ ગૌરવ રાજ્યના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે, જે ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’ અને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને મળેલી આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તેની ઉત્કૃષ્ટ શૈક્ષણિક ગુણવત્તા, ઉચ્ચ કક્ષાનું સંશોધન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ -NEP-2020ના અસરકારક અમલીકરણનું પરિણામ છે. આ ઐતિહાસિક સ્વાયત્તતાના પરિણામે વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકોમાં અભૂતપૂર્વ વધારો થશે તેવો વિશ્વાસ મંત્રી ડૉ.વાજાએ મુક્યો હતો.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલી આ ઐતિહાસિક સ્વાયત્તતાના પરિણામે હવે ગુજરાત યુનિવર્સિટીમાં ઉચ્ચ સ્તરનું સંશોધન, ઇનોવેશન, બહુવિષયક (Multidisciplinary) અભ્યાસક્રમો તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈશ્વિક શૈક્ષણિક સહયોગને એક નવી દિશા અને અભૂતપૂર્વ વેગ મળશે.
