રાજ્યના અડધો ડઝનથી વધુ જિલ્લામાં લીલો દુકાળ!
વલસાડ, નવસારી, સુરત, તાપી, અમદાવાદ, ખેડા, આણંદ, બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ જિલ્લામાં સૌથી વધુ નુકસાની: ખેડૂતોએ વળતરની કરી માંગ
કુદરતની કેવી કમાલ છે, એક મહિના પહેલાં ગુજરાતના ખેડૂતો `આવ રે વરસાદ, આવ રે વરસાદ’ કરી રહ્યા હતા પરંતુ આજે આખો સિનારિયો બદલાઈ ગયો છે. ગુજરાતમાં એક માસમાં થયેલા મેઘતાંડવના કારણે હવે ખેડૂતોનો ખરીફ પાકનું ધોવાણ થઈ જતાં નુકસાની અને વળતરની માંગણી કરી રહ્યા છે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસાનો મોડો પ્રારંભ થયો છે. ખેડૂતોએ અગાઉથી જ સારા વરસાદની આશામાં મગફળી, કપાસ, મકાઈ, જુવાર, સોયાબિન, કઠોળ જેવા ખરીફ પાકનું વાવેતર કરી દીધું હતું. એગ્રિકલ્ચર વિભાગ પાસેથી મળેલા આંકડા મુજબ રાજ્યમાં ૫૦.૮૩ લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું આગોતરૂ વાવેતર કરી દીધું હતું. ખેડૂતોએ મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કર્યું હતું અને વાવણી પર સમયસર મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી પરંતુ ખેડૂતોનો આનંદ પલવાર માટે જ રહ્યો હતો.
જુલાઈ માસમાં શરૂ થયેલા વરસાદે બીજા રાઉન્ડમાં તાંડવ મચાવી દેતા ખેતરો દરિયો બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લઈને વાવણી કરી દીધી હતી જેમાં પાણી ફરી વળતા હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: સુરતીઓની કમાલ, પૂરમાં કારને તણાતી બચાવવા માટે નવો કિમિયો શોધી કાઢ્યો
છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરો દરિયામાં ફેરવાઈ ગયા છે અને પાકની સાથે ખેતરોનું પણ મોટાપાયે ધોવાણ થઈ ગયું છે.
અતિવૃષ્ટિના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વલસાડ, નવસારી, વાપી, આણંદ, ખેડા, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં જોવા મળી છે.
ભારે વરસાદના કારણે મગફળી, કપાસ અને ડાંગરના પાકનું ધોવાણ થઈ ગયું હોય ખેડૂતો દ્વારા વળતરની માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં પણ ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્યોએ પણ ખેડૂતોને થયેલ નુકસાન અંગેનો સર્વે કરાવી વળતર ચૂકવવા માંગણી કરતા પત્ર મુખ્યમંત્રીને લખ્યા છે.
ભારે વરસાદના કારણે મીઠાના અગરિયાનું ધોવાણ
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સૌથી વધુ નુકસાન મીઠુ પકવતા ખેડૂતોને થયું છે. ભારે વરસાદના કારણે રણ પ્રદેશમાં રહેલા મીઠાના ઢગલા પર પાણી પડતા મીઠાનું ધોવાણ થઈ ગયું છે જેમાં સૌથી વધુ નુકસાની મસાણી, માધપુરા, ખોરૂ ગામના ૨૦૦૦થી વધુ મીઠાના ખેડૂતોને થઈ છે અને અંદાજે ૨ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે.
મગફળીનું ૮૦ ટકા અને કપાસનું ૭૮ ટકા વાવેતર
ચોમાસાના પ્રારંભે ગુજરાતના બે મુખ્ય ખરીફ પાકનું સૌથી વધુ વાવેતર થયું છે જેમાં ૧૬,૪૯,૧૧૫ હેક્ટર જમીનમાં મગફળીનું ૮૬.૦૫ ટકા અને ૧૮,૭૫,૮૪૪ હેક્ટર જમીનમાં કપાસનું ૭૮,૭૧ ટકા વાવેતર થયું છે. જ્યારે ૨,૧૯,૪૬૨ હેક્ટર જમીનમાં મકાઈ, ૨,૨૫,૫૦૮ હેક્ટર જમીનમાં ડાંગર અને ૨,૪૮,૬૫૧ હેક્ટર જમીનમાં સોયાબિનનું વાવેતર કરવામાં આવ્યું છે.
૧૫ મેગાવોટનો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ
પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ચારરકા ગામે આવેલ ભારતના સૌથી મોટા ૧૫ મેગાવોટના સોલાર પ્લાન્ટમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે અને સોલાર પ્લાન્ટ એક માસ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.
