સુરતીઓની કમાલ, પૂરમાં કારને તણાતી બચાવવા માટે નવો કિમિયો શોધી કાઢ્યો
ડાયમંડ નગરી સુરતની વાત જ નિરાણી છે. કાંઈક નવું કરવામાં સદા અગ્રેસર રહેતા સુરતીઓએ પૂરની પરિસ્થિતિ વચ્ચે પોતાની મોંઘી દાટ કાર બચાવવાનો નવો નુસ્ખો શોધી કાઢ્યો છે. સુરતવાસીઓએ ૫૦થી ૧૦૦ રૂપિયાનું દોરડું ખરીદી પોતાની કિંમતી કારને વીજ થાંભલા અથવા તો અન્ય કોઈ ભારે વસ્તુ સાથે બાંધી દઈ પૂરમાં કાર તણાતા બચાવી લીધી છે.
આ વર્ષે સુરત સહિતના જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તેમાંય ખાસ કરીને સુરત શહેર તાપી નદીના કાંઠે આવેલ હોય ઉપરવાસ વરસાદના કારણે તાપી નદીમાં પૂર આવવાથી પણ સુરત શહેર જળમગ્ન થઈ જાય છે.
સુરતમાં છેલ્લા ૧૫ દિવસમાં ભારે વરસાદના કારણે ત્રણ વખત પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે શેરીમાં કે ઘર પાસે પાર્ક કરેલી મોંઘીદાટ કાર પૂરના પ્રવાહમાં તણાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પૂરમાં કાર તણાયા બાદ જ્યાં ત્યાં અથડાવવાથી કારમાં ભારે નુકસાન થતું હોય જેનો ઉકેલ સુરતવાસીઓએ શોધી કાઢ્યો છે.
આ પણ વાંચો: સતત ત્રીજા દિવસે રાજકોટ-અમદાવાદ, વિરમગામ-અમદાવાદનો વાહન વ્યવહાર ઠપ્પ
પૂરથી બચવા માટે સુરતવાસીઓએ પોતાની કિંમતી કારને ઘર પાસે કે શેરીમાં કે રોડ પર પાર્ક કરે ત્યારે નજીક રહેલા વીજ થાંભલા કે અન્ય કોઈ ભારે વસ્તુ સાથે કારને બાંધી દઈ રાત્રીના ઘરે જઈ નિરાંતે સુઈ જાય છે.
સુરતની દરિયા ખાડી પાસે આવેલ જ્હાંગીરપુરા, પર્વત પાટિયા વિસ્તારમાં થાંભલા કે ભારે વસ્તુ સાથે કાર બાંધેલી હોય તેવા દૃશ્યો સામાન્ય બની ગયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સુરતમાં લગભગ દર વર્ષે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એક દાયકા પહેલાં પડેલા ભારે વરસાદ બાદ તાપીના પાણી શહેરમાં ઘૂસી જતાં અનેક કિંમતી કારમાં કાદવ-કિચડ અને પાણી ઘૂસી જતાં બેકાર બની ગઈ હતી.
