સાબરકાંઠામાં રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: હિટ એન્ડ રનની ઘટનામાં 3 મહિલાઓના મોત, 4 ઘાયલ
સાબરકાંઠા જિલ્લાના હરસોલ-ગાંભોઈ હાઈવે પર હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ પાસે એક કાળજું કંપાવી દેનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક બેફામ ઝડપે આવી રહેલી કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતાં રિક્ષામાં સવાર 3 મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને ફરાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
