રાજકોટમાં વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવનાર પ્રેમી યુગલ 3 દિવસના રિમાન્ડ પર : આજે ઘટનાનું કરાવાશે રિ-કન્સ્ટ્રક્શન
રાજકોટ શહેરમાં વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર શેરી નં.3માં એકલા રહેતા વૃધ્ધ બરકતભાઈ ગુલામહુશેનભાઈ લાખાણી (ઉ.વ.70)ની તેમના જ ઘરમાં ગત ગુરુવારે બપોરના સમયે હત્યા કરી લૂંટ ચલાવવાના આરોપમાં પકડાયેલા યુગલના ભક્તિનગર પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ ઘટના સમયે પહેરેલા કપડા તેમજ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી કબજે કરાયા છે. બનાવનું આવતીકાલે રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવશે.

વૃધ્ધની હત્યા અને લૂંટમાં આરોપી કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.22), રહે. કારડિયા રાજપૂત છાત્રાલય, ધરમ સિનેમા, રાજકોટ) તથા કોઠારિયા સોલવન્ટમાં રહેતી સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.22) બન્નેની ગઈકાલે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી સોનાના ચેઈન, લક્કી, વીંટી મળીને 6.95લાખના વધ્ધના ઘરેણાં, બનાવમાં ઉપયોગમાં લીધેલ એક્ટિવા મળી 7.55 લાખનો મદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી યુગલનો કબજો ભક્તિનગર પોલીસને સોંપ્યો હતો.

આરોપી યુગલની તપાસ, પૂછતાછ બાદ પીઆઇ એમ.એમ. સરવૈયા, રાઈટર નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે આરોપીએ હત્યા નીપજ્યા સમયે પહેરેલા કપડા તથા છરી ન્યારી ડેમ પાસે એક બગીચામાં મૂકી દીધા હતા એ આજે કબજે લીધા હતા. હત્યા કર્યા બાદ યુગલ પૈકી આરોપી અને યુવતી સ્નેહલ બન્ને છૂટા પડયા બાદ ઘરે જઈ કપડા બદલાવ્યા હતા. બાદમાં ફરી કિશન તથા સ્નેહલ ન્યારી ડેમ ગયા હતા ત્યાં બેઠા હતા અને કપડા-છરી છુપાવી દીધા હતા આજે બન્નેને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતા. કોર્ટે બન્નેને ત્રણ દિવસના રિમાન્ડ માટે સોંપ્યા છે.
આ પણ વાંચો : સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
તપાસનીશ પોલીસ દ્વારા હત્યાના આરોપી યુગલને નજરે જોનારા કેટલાક વ્યક્તિઓ પાસે બન્નેની ઓળખ પરેડ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. બન્નેની પાસે આવતીકાલે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવશે. આરોપી કિશન અને સ્નેહલ બન્ને એકબીજાના પરિચિત હોવાથી અને આર્થિક ખેંચ દૂર કરવા અગાઉ જ બરકતભાઈને ઓળખતી યુવતીએ એકલા રહેતા વૃધ્ધ બરકતભાઈ સોફ્ટ ટાર્ગેટ હોવાની કિશનને વાત કરી હતી અને બન્નેએ પ્લાન બનાવી હત્યા કરી લૂંટ ચલાવી હતી. આરોપી કિશને હત્યા કર્યા બાદ ઘરમાં જ બરકતભાઈનો બ્લેક કલરનો શર્ટ પહેરી લીધો હતો. યુવતીએ મોં પર ચુંદડી બાંધી લીધી હતી જેથી બહાર નીકળે તો કોઇ ઓળખી ન શકે.