સામાન્ય બીમારીઓ પણ બનશે જીવલેણ: રાજકોટ અને સૌરાષ્ટ્રમાં AMR (એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ) ના કેસોમાં ચિંતાજનક વધારો
ડોક્ટર પાસે જઈને તાવ કે ઈન્ફેક્શનની દવા લીધાના બે દિવસમાં જ સારું થઈ જતાં એન્ટિબાયોટિક્સનો કોર્સ અધૂરો છોડી દેવાની આદત આજે હજારો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. આ સામાન્ય દેખાતી ભૂલ શરીરમાં રહેલા બેક્ટેરિયાને એટલા શક્તિશાળી બનાવી દે છે કે ભવિષ્યમાં દુનિયાની કોઈપણ મોંઘી દવા પણ દર્દીને બચાવી શકતી નથી.
અધૂરા ડૉઝથી બેક્ટેરિયા બને છે અજેય
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ દર્દી એન્ટિબાયોટિક્સનો કોર્સ અધૂરો છોડે છે, ત્યારે નબળા બેક્ટેરિયા તો મરી જાય છે પરંતુ જીવતા રહી ગયેલા શક્તિશાળી બેક્ટેરિયા દવા સામે લડવાની તાકાત કેળવી લે છે. પરિણામે, તે બેક્ટેરિયા દવાના આક્રમણ સામે અજેય બની જાય છે અને ભવિષ્યમાં સામાન્ય ન્યુમોનિયા કે યુરિન ઈન્ફેક્શન થાય ત્યારે પણ સ્ટાન્ડર્ડ દવાઓ અસર કરતી બંધ થઈ જાય છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ (AMR નો ખતરો)
રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં લેબોરેટરી કલ્ચર ટેસ્ટ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. અહીં એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ (AMR) ના કેસો બેફામ વધી રહ્યા છે. અગાઉ જે રોગો સામાન્ય દવાઓથી મટી જતા હતા, તે હવે એમ્પિસિલિન, સિપ્રોફ્લોક્સાસીન અને લેવોફ્લોક્સાસીન જેવી એન્ટિબાયોટિક્સ આપવા છતાં મટતા નથી. આ ઉપરાંત, પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ પરથી અપાતી ઓવર-ધ-કાઉન્ટર દવાઓ અને ડૉક્ટરો દ્વારા અપાતા ફોર્થ જનરેશનના ઓવરડોઝ આ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા છે.
કયા રોગોમાં કઈ દવાઓ થઈ રહી છે ફેઈલ?
E. coli (યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન – UTI): પેશાબ અને કિડનીના ગંભીર ચેપ સામે Levofloxacin, Ciprofloxacin અને Ampicillin જેવી દવાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે.
S. aureus (લોહી અને પરુનું ઈન્ફેક્શન): ઓપરેશન પછીના ઘા અને સેપ્ટિક જેવી સમસ્યાઓમાં Penicillin, Amoxicillin અને Cefazolin કામ કરવાનું બંધ કરી ચૂકી છે.
Klebsiella pneumoniae (ફેફસાંનો રોગ): ન્યુમોનિયા અને શ્વાસની તકલીફ સામે બ્રહ્માસ્ત્ર સમાન ગણાતી Ceftriaxone અને Cefotaxime જેવી શક્તિશાળી દવાઓ પણ હવે બેઅસર સાબિત થઈ રહી છે.
એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ છોડવો એ પોતાના જ મોતના પરવાના પર સહી કરવા સમાન છે. જો સમયસર આ બાબતે જાગૃતિ નહીં કેળવાય અને ડૉક્ટરની સલાહ વિના બેફામ એન્ટિબાયોટિક્સ લેવાનું બંધ નહીં થાય, તો આગામી સમયમાં સામાન્ય ઓપરેશન કે ઈન્ફેક્શન પણ માનવ જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે.
