17 વર્ષની કિશોરીની 12 યુવકો સાથે વર્ચ્યુઅલ ફ્રેન્ડશીપ, ભાંડો ફૂટતા 181 અભયમને બોલાવવી પડી
અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારમાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સાયબર જોખમોને લગતો એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટર પિતાના પરિવારમાં બનેલી આ ઘટના આજના ડિજિટલ યુગમાં વાલીઓ માટે આંખ ઉઘાડનારી સાબિત થઈ છે.
ફોન અનલોક કરતા ખુલ્યા 12 સંબંધોના રાઝ
શહેરના પોશ વિસ્તારમાં રહેતા ડોક્ટર પરિવારની ૧૭ વર્ષની સગીર દીકરીના વર્તનમાં છેલ્લા કેટલાક સમયથી બદલાવ આવ્યો હતો અને તે મોટાભાગનો સમય પોતાના રૂમમાં વિતાવતી હતી. શંકા જતાં પિતાએ રાત્રે દીકરી ઊંઘમાં હતી ત્યારે તેના ફોનની થમપ્રિન્ટ દ્વારા અનલોક કરીને તપાસ કરી હતી. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તપાસ કરતા સામે આવ્યું કે સગીરા ઓનલાઈન મળેલા ૧૨ જેટલા અલગ-અલગ યુવકો સાથે અંગત સંબંધોમાં હતી અને પોતાના પ્રાઈવેટ ફોટો પણ શેર કરી રહી હતી.
ઘરમાં હોબાળો અને 181 અભયમની એન્ટ્રી
પિતાએ આ બાબતે પૂછપરછ કરતાં ઘરમાં ઉગ્ર ઝઘડો ફાટી નીકળ્યો હતો. સગીરા પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ‘આ મારી લાઈફ છે’ તેમ કહીને ગુસ્સે ભરાઈ હતી. પરિસ્થિતિ વણસતી જોઈને ગભરાયેલી માતાએ તાત્કાલિક ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. અભયમની ઈમરજન્સી ટીમે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી હતી.
4 કલાકનું કાઉન્સિલિંગ અને સાયબર જોખમોની સમજ
અભયમની ટીમે સગીરા સાથે એકાંતમાં સતત ૪ કલાક સુધી કાઉન્સિલિંગ સેશન યોજ્યું હતું. ટીમે કોઈ પણ પ્રકારના દોષારોપણ વિના તેને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના ગંભીર જોખમો સમજાવ્યા હતા:
ડીપફેક અને બ્લેકમેઈલિંગ: ખાનગી ફોટોના દુરુપયોગથી થતી બ્લેકમેઈલિંગ અને માનસિક શોષણની વાસ્તવિકતાઓ.
ડિજિટલ ફૂટપ્રિન્ટ: ઇન્ટરનેટ પર એકવાર શેર થયેલી માહિતી કાયમી ધોરણે કેવી રીતે જોખમી બની શકે છે તેની જાણકારી.
અભયમ ટીમની સમજાવટ બાદ સગીરાને પોતાની ભૂલ અને ભયાનક જોખમનો અહેસાસ થયો હતો. આ ઘટના વાલીઓ માટે એક મોટો પાઠ છે કે તેઓ પોતાના સંતાનોની ઓનલાઈન ગતિવિધિઓ અને માનસિક સ્વાસ્થ્ય પર યોગ્ય ધ્યાન આપે, જેથી તેઓ કોઈ પણ સાયબર ફ્રોડ કે શોષણનો ભોગ બનતા બચી શકે.
