કાળઝાળ ડ્રાય સ્પેલ વચ્ચે કચ્છ-દ્વારકા અને જામનગરમાં ચિંતાજનક માહોલ: 10 ઈંચ પણ વરસાદ નહીં, 75 ડેમમાં 25%થી ઓછું પાણી
ચાલુ ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હેત વરસાવી ચૂક્યા છે, પરંતુ રાજ્યના ઉત્તર-પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે મોટો ભંગ બોલાવ્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સિઝનનો સામાન્ય વરસાદ પણ વરસી શક્યો નથી.
10 તાલુકાઓમાં 10 ઈંચ પણ વરસાદ નહીં
રાજ્યના ૧૦ તાલુકાઓ એવા છે જ્યાં ચાલુ ચોમાસામાં સરેરાશ ૧૦ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને કચ્છ પંથકમાં વરસાદની સૌથી ખરાબ સ્થિતિ છે. દ્વારકા જિલ્લાના ૪ તાલુકાઓમાં ૧૦ ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં દ્વારકા તાલુકામાં તો માંડ ૧ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળસંકટ ઘેરૂ બન્યું છે.
જળાશયોમાં ઘટતું જળસ્તર અને કૃષિ પર જોખમ
રાજ્યમાં ૧ સપ્ટેમ્બરની સ્થિતિએ ૭૫ જેટલા જળાશયો એવા છે જ્યાં જળસ્તર ૨૫ ટકાથી પણ નીચે ગયું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ૧૨ ડેમ અને કચ્છના ૨૦ ડેમમાં જળસ્તર ૨૫ ટકાથી ઓછું નોંધાયું છે. અપૂરતા વરસાદને કારણે મગફળી, કપાસ અને અન્ય પાકોના વાવેતરમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. આગામી બે સપ્તાહ સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.
કયા તાલુકામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ?
| તાલુકો | જિલ્લો | વરસાદ | સરેરાશ |
| દ્વારકા | દેવભૂમિ દ્વારકા | 0.59 | 2.28% |
| કલ્યાણપુર | દેવભૂમિ દ્વારકા | 1.29 | 3.41% |
| પોરબંદર | પોરબંદર | 2.95 | 9.34% |
| ખંભાળિયા | દેવભૂમિ દ્વારકા | 3.58 | 9.54% |
| ભાણવડ | દેવભૂમિ દ્વારકા | 3.03 | 9.75% |
| અબડાસા | કચ્છ | 1.85 | 10.28% |
| માંડવી | કચ્છ | 3.70 | 16.94% |
| અંજાર | કચ્છ | 3.81 | 17.29% |
| લખપત | કચ્છ | 2.99 | 20.27% |
| જામનગર | જામનગર | 6.73 | 20.41% |
મગફળી, કપાસ, બાજરીમાં ગત વર્ષ કરતાં અત્યારસુધી ઓછું વાવેતર
દેવભૂમિ દ્વારકા
| પાક | વર્ષ 2026 | વર્ષ 2025 |
| તુવેર | 01 | 05 |
| મગ | 09 | 03 |
| અડદ | 32 | 07 |
| મગફળી | 1894 | 2170 |
| સોયાબીન | 34 | 04 |
| કપાસ | 33 | 43 |
| શાકભાજી | 26 | 30 |
| ઘાસચારો | 99 | 99 |
| અન્ય સહિત કુલ | 2139 | 2364 |
કચ્છ
| પાક | વર્ષ 2026 | વર્ષ 2025 |
| બાજરી | 177 | 263 |
| જુવાર | 13 | 05 |
| તુવેર | 189 | 82 |
| મગ | 169 | 323 |
| કપાસ | 795 | 778 |
| શાકભાજી | 79 | 102 |
| અન્ય સહિત કુલ | 4756 | 6493 |
દુષ્કાળ જાહેર કરવાના માપદંડો
ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા માત્ર વરસાદની ઓછી ટકાવારી પર આધારિત નથી. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદના ૭૫ ટકાથી ઓછો વરસાદ થાય ત્યારે દુષ્કાળની શક્યતા તપાસાય છે. આ ઉપરાંત ડ્રાય સ્પેલ (વરસાદનો લાંબો ખેંચારો), વાવેતરમાં ઘટાડો, જમીનમાં ભેજનું પ્રમાણ, પાકની વર્તમાન સ્થિતિ, ભૂગર્ભ જળ અને ડેમોમાં ઉપલબ્ધ પાણી જેવા વિવિધ માપદંડોને ચકાસીને તાલુકાવાર દુષ્કાળ અંગે નિર્ણય લેવામાં આવે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં સર્જાયેલી અપૂરતા વરસાદની સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. જો સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં હવામાન વિભાગની આગાહી મુજબ સારો વરસાદ નહીં આવે, તો પ્રશાસન દ્વારા રાહત અને અછતગ્રસ્ત વિસ્તારો માટે કયા પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે.
