અમેરિકામાં દુર્લભ શોધ… અંદાજે ૧૩ હજાર વર્ષ પહેલાનો હાથીદાંત મળ્યો
- હાથીદાંતની લંબાઈ 7 ફૂટ અને વજન 270 કિલો
- દાંત હિમયુગ વખતે લુપ્ત થઇ ગયેલા ૧૫ ફૂટ ઊંચા અને ૧૦ ટન વજન ધરાવતા કોલમ્બિયન મેમથનો હોવાનું અનુમાન
એક અદ્ભુત કહી શકાય તેવી ઘટનામાં અમેરિકામાં અનેરી શોધ થઇ છે. એક ટ્રેકરને મીસીસીપીમાંથી હિમયુગ સમયના મહાકાય હાથીનો એક દાંત મળી આવ્યો છે. આ દાંતની લંબાઈ ૭ ફૂટ અને વજન ૨૭૦ કિલો છે. આ દાંત હિમયુગની સાથે જ લુપ્ત થઇ ગયેલા કોલમ્બિયન મેમથનો હોવાનું અનુમાન છે. આ કોલમ્બિયન મેમથની ઊંચાઈ ૧૫ ફૂટ અને વજન ૧૦ ટન જેટલું હોવાની માન્યતા છે.
મિસિસિપીમાં પ્રથમ વખત હાથીઓના પૂર્વજ એટલે કે મેમથનો વિશાળ દાંત મળ્યો છે. અમેરિકન નાગરિક એડી ટેમ્પલટન મિસિસિપીના જંગલોમાં ટ્રેકિંગ કરી રહ્યો હતો. તેને જૂના અવશેષો શોધવાનો શોખ છે. પછી તેણે એક ખડકની નીચે કેટલીક વિચિત્ર ગોળાકાર વસ્તુ જોઈ હતી અને તેને આ વસ્તુ વિશાળકાય સાપ કે મગરની પૂછડી હોવાનો આવ્યો હતો.
જ્યારે એડી નજીક ગયો ત્યારે તેને આશ્ચર્ય થયું. તે એક વિશાળ હાથીનું વિશાળ દાંત હતો જે અંશતઃ પાણી અને માટીમાં દટાઈ ગયો હતો. તેની ઉપર રેતાળ માટી જમા થઈ ગઈ હતી. તેણે તરત જ મિસિસિપી સ્ટેટ જીઓલોજિકલ સર્વેને ફોન કર્યો આ દાંત અંગે માહિતી આપી હતી. આ પછી કેન્દ્રમાંથી વૈજ્ઞાનિકોએ આવીને આ દાંતની તપાસ કરી હતી.
એવું જાણવા મળ્યું કે સાત ફૂટ લાંબો અને 270 કિલોગ્રામ વજન ધરાવતો આ દાંત હિમયુગના કોલમ્બિયન મેમથનો હતો. એડીએ કહ્યું કે જ્યારે મને ખબર પડી કે તે મેમથનો દાંત છે તો હું ખુશીથી ઉછળી પડ્યો હતો. કારણ કે મેં તે શોધી કાઢ્યો છે. હું હંમેશા મેમથનો અમુક ભાગ, અશ્મિ કે અંગ શોધવા માંગતો હતો. પરંતુ આ એક અદ્ભુત અને દુર્લભ શોધ છે. સૌથી અગત્યની વાત એ છે કે, દાંત સંપૂર્ણપણે સલામત છે.
ભૂસ્તરશાસ્ત્રી જેમ્સ સ્ટાર્નેસે કહ્યું કે આ સ્થાન પર અવશેષો અકબંધ નથી. પરંતુ આ મેમથ દાંત લગભગ 100 ટકા સલામત છે. આ પ્રાણીઓ અહીં હિમયુગ દરમિયાન જોવા મળ્યા હતા. તેઓ અહીં સરળતાથી ભોજન મેળવી શકતા હતા. તેથી જ તે આ વિસ્તારમાં રહેતા હતા.
આ દાંત કોલમ્બિયન મેમથનો છે. જે પ્લેઇસ્ટોસીન સમયગાળા દરમિયાન અહીં હતા. આ મેમોથ્સ બેરિંગ લેન્ડ બ્રિજને પાર કરીને 1.5 મિલિયન વર્ષો પહેલા ઉત્તર અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું. દાંતના હિસાબે એવું લાગે છે કે આ મેમથ ઓછામાં ઓછો 15 ફૂટ લાંબો હોવો જોઈએ. તેનું વજન લગભગ 10 ટન હોવું જોઈએ.
હિમયુગ દરમિયાન ઉત્તર અમેરિકામાં મેમોથ્સ ફરતા હતા. પરંતુ જેમ જેમ હિમનદીઓ પીગળવા લાગી તેમ તેમ તેમની વસ્તી ઘટવા લાગી. આ સિવાય માનવ શિકારના કારણે તેઓ માર્યા જવા લાગ્યા. ધીમે ધીમે સમગ્ર પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. કોલમ્બિયન મેમોથ 11 હજાર થી ૧૩ હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા.