સાગઠિયા-ઠેબા-ખેરના નિવાસસ્થાન સહિત પાંચ સ્થળે એસીબીના દરોડા
`વહીવટ’ થકી મોટાપાયે બેનામી મિલકત વસાવી હોવાની આશંકાને પગલે
પુષ્કરધામ, ખોડિયારપરા, યુનિવર્સિટી રોડ સહિતની જગ્યાએ ટીમે શરૂ કરેલી તપાસ: ટૂંક સમયમાં જ મોટા ધડાકા-ભડાકા થશે
ટીઆરપી ગેઈમ ઝોનમાં આગની ગોઝારી દૂર્ઘટના માત્રને માત્ર પૈસાભૂખ્યા વરુઓ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને કારણે જ બની હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ ગેઈમ ઝોન કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ધમધમતો હોવાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે તેમાં અલગ-અલગ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. બીજી બાજુ ભ્રષ્ટાચાર થકી આ લોકોએ મોટાપાયે બેનામી મિલકતો વસાવી હોવાનું ખુલતાં જ એસીબીએ પણ હવે તપાસમાં ઝંપલાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચીફ ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે.ઠેબા, ટીપીઓ સાગઠિયા સહિતની પૂછપરછ ચાલી રહી છે તે દરમિયાન જ આ લોકોના ઘેર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ચેકિંગ શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદથી એસીબીની ટીમ સાંજે રાજકોટ આવી પહોંચી હતી અને ટીપીઓ એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાના નિવાસસ્થાને ચેકિંગ હાથ ધર્યું હતું. સાગઠિયા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા હોવાનું તેમજ બી.જે.ઠેબા ખોડિયાર પરામાં તેમજ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર પુષ્કરધામ વિસ્તારમાં રહેતા હોય તેમના ઘેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું કે આ તપાસ લાંબી ચાલનાર હોવાથી કોના ઘરેથી શું મળ્યું તેનો ખુલાસો થતાં થોડો સમય લાગશે. બીજી બાજુ એસીબી દ્વારા એ તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે આ અધિકારીઓનો જેટલો પગાર છે જેટલી જ મિલકત છે કે તેનાથી વધુ છે ? આ ઉપરાંત ઘરમાં લોકર-કબાટ સહિતની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ચાર વર્ષ દરમિયાન ટીપી-ફાયર વિભાગમાં નોકરી કરનારાનું લિસ્ટ કઢાયું
અગ્નિકાંડની તપાસ પૂરપાટ ઝડપે ચાલી રહી છે. આ દૂર્ઘટના બાદ સરકાર દ્વારા તપાસમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય કે કાચું ન કપાય જાય તે માટે ઝીણવટપૂર્વકની તપાસ કરવાનો આદેશ અપાયો છે. હવે તમામ એજન્સી જેમાં સીઆઈડી ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચ, એસીબી, સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા દોર આગળ ધપાવાઈ રહ્યો છે. ખાસ કરીને ટીઆરપી ગેઈમ ઝોન ચાર વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૦-૨૧માં બન્યો હોવાથી ૨૦૨૧થી ૨૦૨૪ સુધીના ચાર વર્ષ દરમિયાન ટીપી, ફાયર વિભાગ તેમજ વોર્ડ કક્ષાએ નોકરી કરનારાનું લિસ્ટ તૈયાર કરી એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક નિવેદનો નોંધવાનું પણ શરૂ કરાયું છે.