તકલીફ હોય તો કોલ કરો! રાજકોટ પોલીસે ફરી વખત જાહેર કર્યો નંબર,લુખ્ખાગીરી કે અસામાજિક પ્રવૃત્તિઓની જાણ કરવા કરી અપીલ
રાજકોટ શહેરમાં લુખ્ખાગીરી, અસામાજિક તત્વોએ માથું ઉંચકતા અને સરેઆમ થયેલા ધાણીફૂટ ફાયરિંગ બાદ ફરી વધુ એક વખત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તમારી આસપાસ, રહેણાંકો, વ્યવસાય સ્થળ નજીક કે આવા કોઈપણ સ્થળોએ લુખ્ખાઓ, અસામાજિક તત્વો હોય કે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ક્રાઈમ બ્રાન્ચના વોટ્સએપ મોબાઈલ નં. 63596 29896 ઉપર કોલ કરવા માટે અપીલ કરાઈ છે.
અગાઉ પણ આ નંબર દારૂ, જુગાર કે કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ક્રાઈમ બાન્ચને માહિતગાર કરવા જાહેર કરાયો હતો. તાજેતરમાં ઉપરાછાપરી બની રહેલી ગુનાખોરીની ઘટનાથી ફરી વખત નંબર જાહેર કરાયો છે. આ નંબર પર ગુનાઈત પ્રવૃત્તિ, અસામાજિક તત્વો, લુખ્ખાઓના નામ, સરનામા તેમજ અન્ય માહિતી મોકલી શકાશે. માહિતી મોકલનારનું નામ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઈનામ પણ આપવામાં આવશેનો વાયદો કરાયો છે.
અગાઉ નામ લીક થઇ જતાં મારામારી થઇ પડી હતી
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરક્ષા, જનહિતને ધ્યાને લઈને મોબાઈલ નંબર જાહેર કરાયો તે સારી કે સરાહનિય બાબત છે પરંતુ ભૂલથી કે અજાણતાપણે પણ માહિતી આપનારનું નામ નંબર લીક ન થઈ જાય તે જોવું પણ જરૂરી છે. અગાઉ ફરિયાદ સંદર્ભે નામ કે માહિતી જે તે વ્યક્તિને પહોંચી જતાં માહિતી આપનાર સાથે મારામારીનો બનાવ બન્યો હતો. જો કે એ સમયે નામ કેમ લીક થયું, ક્યાંથી થયું એ કાંઈ સ્પષ્ટ થયું ન હતું. જો આવું બન્યું હોય તો ખરેખર ઉચ્ચ અધિકારીએ જ તકેદારી રખાવવી પડશે. સાથોસાથ ખોટી માહિતી શેર કરનારા કે કોઈને ખોટી રીતે ફસાવી દેવા આવી વિગતો આપે તો એવા તત્વો સામે પણ પોલીસે લાલઆંખ કરવી પડશે. નહીં તો પોલીસને જ ખોટી કનગડત કે દોડધામ વધશે.
