3 પોર્ટલ વચ્ચે રાજકોટ મહાપાલિકાનો જન્મ-મરણ વિભાગ ગુંચવાયો : અરજદારોને થઈ રહ્યો છે પગનો દુઃખાવો!
રાજકોટ મહાપાલિકાના જન્મ-મરણ વિભાગમાં અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ નિર્માણ પામી રહી હોય દાખલો કઢાવવા માટે આવી રહેલા અરજદારોને પગના દુઃખાવા સિવાય કશું મળી રહ્યું નથી કેમ કે અહીં લાંબા સમય સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય રીતસરની અકળામણ થઈ પડે છે. એકંદરે ત્રણ પોર્ટલ વચ્ચે જન્મ-મરણ વિભાગ ગુંચવાઈ ગયો હોવા છતાં નિંભર શાસકોના ધ્યાન પર આ `પીડા’ આવી રહી નથી.
છેલ્લા છ મહિનાથી મહાપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પોર્ટલ થકી જન્મ-મરણના દાખલા કાઢવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં પણ અનેક અડચણ આવી રહી હોય વધુ સ્ટાફ અને કિટની જરૂરિયાત હોવાનું ધ્યાન પર હોવા છતાં પદાધિકારીઓ આ દિશામાં કાર્યવાહી કરવી તો દૂર પરંતુ અહીં ડોકાવાનું પણ પસંદ ન કરતા હોવાનો રોષ લાઈનમાં ઉભેલા લોકોએ વ્યક્ત કર્યો હતો.
વિભાગમાંથી જાણવા મળ્યા પ્રમાણે અત્યારે સોમ અને મંગળવારે 2020 પહેલાના દાખલાનું કામ, બુધ અને ગુરૂવારે 2020થી 2025 વચ્ચેના દાખલાનું કામ તેમજ શુક્ર અને શનિવારે 2025 એટલે કે હાલના તમામ જન્મ-મરણની નોંધણીનું કામ કરવામાં આવી રહ્યું છે. હાલ આ કામગીરી મહાપાલિકા, રાજ્ય અને કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર કરવામાં આવી રહી છે. તકલીફ ત્યાં પડી રહી છે કે કેન્દ્ર સરકારના સીઆરએસ નામના પોર્ટલ ઉપર મહાપાલિકા કોઈ ફેરફાર કરી શકે તેમ ન હોવા ઉપરાંત તેના ઉપર 2020 પછીની જ એન્ટ્રી થઈ શકે છે. આ ઉપરાંત 2020 પહેલાંનો ડેટા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર હોય તેનો પણ અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે.
