હું તારી બહેન સાથે વાત કરું તો કેવું લાગે? રાજકોટમાં દિન દહાડે પ્રેમસંબંધમાં યુવકની હત્યાઃ યુવતીના ભાઇએ જ છરીના ઘા ઝીંકી પતાવી દીધો
રાજકોટના ટ્રાફિક તેમજ લોકોની અવર-જવરથી ધમધમતા સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક તરફ જવાના રસ્તે માધવ હોટેલની સામે આવેલા વાસ્તુ પ્લાઝામાં મંગળવારે બપોરે લોહિયાળ ખેલ ખેલાયો હતો જ્યાં પરિણીત બહેન સાથે સંબંધ રાખનાર યુવકને પરિણીતાના ભાઈએ જ છરીના ઉપરાછાપરી ઘા ઝીકી પતાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને બનાવને અંજામ આપનાર આરોપીને સકંજામાં લઇ ધરપકડ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
આ બનાવ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે શહેરના અંકુર રોડ પર ગુરુપ્રસાદ ચોક નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતો અને ફર્નિચરનું કામ કરતો નિલેશ હરિભાઈ ધોકિયા (ઉ.વ.46)ને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં ફર્નિચરનું કામ હોવાથી તે માધવ હોટેલ સામે વાસ્તુ પ્લાઝા કે જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો બરાબર ત્યારે જ અગાઉથી અહીં ગોઠવાયેલા મહેશ દિનેશભાઈ જેઠવા (રહે.150 ફૂટ રોડ, એપલ રેસિડેન્સી, બંગ્લા નં.8)એ નિલેશને અટકાવી પોતાની પાસે રહેલી ધારદાર છરીથી તૂટી પડયો હતો.
ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરા સહિતની ટીમે દોડી જઈ મહેશ જેઠવા હત્યા કર્યા બાદ ભાગે તે પહેલાં જ દબોચી લઈ તેની આગવી ઢબે પૂછપરછ કરતાં મહેશે એવી કેફિયત આપી હતી કે તેની બહેન કે જેને ગીર-સોમનાથ ખાતે પંદર વર્ષ પહેલાં પરણાવી છે તેની સાથે મૃતક નિલેશ ધોકીયા ફોન ઉપર વાત કરતો હતો. તેની જાણ બનેવીને થઈ જતાં તેણે બહેન પાસેથી ફોન લઈ લીધો હતો અને પત્નીને રાજકોટમાં નિલેશ નામના યુવક સાથે સંબંધ હોવાની જાણ સાળા મહેશને કરતાં મહેશ રોષે ભરાયો હતો.
આ પણ વાંચો :રાજકોટ મહાપાલિકાનું 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: પાણી વેરામાં 900, ઘેર-ઘેરથી કચરો એકઠો કરવાના ચાર્જમાં 435 રૂપિયાનો વધારો
બહેન સાથે નિલેશને સંબંધ હોવાનું ધ્યાન પર આવતાં જ મહેશે નિલેશને કોઈ પણ ભોગે.પતાવી દેવાનું નક્કી કરી લઈ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન નિલેશ સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં ફર્નિચર કામ માટે સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક તરફ જવાના રસ્તેથી પસાર થઈ માધવ હોટેલની સામે પહોંચ્યો બરાબર ત્યારે જ તે મહેશના ધ્યાન પર આવી જતાં નિલેશને ઉભો રાખી તેના ઉપર તૂટી પડ્યો હતો અને છરીના ચારથી પાંચ ઘા કમર, હાથ, ગળા નીચે સહિતના ભાગો ઉપર મારી પતાવી દીધો હતો. આ હત્યા પાછળ ખરેખર બહેન સાથેનો પ્રેમસંબંધ જ કારણભૂત છે કે પછી અન્ય બીજો કોઈ મુદ્દો પણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસે મહેશની વધુ સઘન પૂછપરછ શરૂ કરી છે.
હું તારી બહેન સાથે વાત કરું તો કેવું લાગે? કહી તૂટી પડ્યો
પોલીસ તપાસ બાદ એવી વિગતો પણ જાણવા મળી હતી કે મહેશ દિનેશભાઈ જેઠવાને જ્યારે નિલેશ હરિભાઈ ધોકિયા (ઉ.વ.૪૬) સામે મળ્યો ત્યારે સૌથી પહેલાં મહેશે દિનેશને એમ જ કહ્યું હતું કે હું તારી બહેન સાથે વાત કરું તો તને કેવું લાગે ? જો કે હજુ નિલેશ કોઈ જવાબ આપે તે પહેલાં જ મહેશ છરી સાથે નિલેશ પર તૂટી પડ્યો હતો અને થોડી મિનિટમાં જ છરીના ચારથી પાંચ ઘા ઝીકી સ્થળ પર જ તેન ઢાળી દેતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો પરંતુ તે પહેલાં નિલેશનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
‘‘કોઇ વચ્ચે ન આવતા’’ મહેશનું ઝનૂન જોઇ કોઇ જ બચાવવા ન આવ્યું
મહેશ જેઠવાએ જ્યાં નિલેશ ધોકીયાનું કામ તમામ કર્યું તે વાસ્તુ પ્લાઝાની બરાબર સામે જ માધવ હોટેલ આવેલી છે. હત્યા થઈ ત્યારે હોટેલ તેમજ વાસ્તુ પ્લાઝા પાસે ઘણા લોકો ઉપસ્થિત હતા. અચાનક જ બપોરે ૩:૫૫ વાગ્યા આસપાસ મહેશે છરી લઈ નિલેશ પર હુમલો કર્યો ત્યારે આ હુમલો જોઈ ત્યાં હાજર લોકો મહેશને રોકવાનો પ્રયાસ કરી મહેશને પકડતાં જ તેણે ઉશ્કેરાઇને કહ્યું કે “કોઈ વચ્ચે ન આવતા…!’ મહેશનું ઝનૂન અને તેના હાથમાં છરી જોઈ નિલેશને બચાવવા કોઈ જ વચ્ચે પડ્યું નહોતું.
મૃતક નિલેશ પરિણીત, સંતાનમાં પુત્ર-પુત્રી
પોલીસ તપાસમાં એવી વિગત પણ જાણવા મળી છે કે મૃતક નિલેશને એક મોટોભાઈ છે. નિલેશને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બીજી બાજુ નિલેશને પતાવી દેનાર મહેશને જ્યારે બહેન સાથે નિલેશના સંબંધની જાણ થઈ ત્યારે તે ક્રોધે ભરાઈ ગયો હતો અને નિલેશને કોઈપણ ભોગે પતાવી દેવા માટે છરી સાથે જ રાખી હતી જેના થકી તેણે આ હત્યાને અંજામ આપ્યાનું હાલ પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
