ગુજરાત કોંગ્રેસના ઈન્ચાર્જ બાદ હવે બે સહ પ્રભારીની પણ વિદાય નક્કી
ગુજરાતમાં ભાજપના મજબૂત સંગઠન સામે લાંબા સમયથી નિષ્ક્રિય અવસ્થામાં રહેલી કોંગ્રેસને બેઠી કરવા માટે દિલ્હી હાઈકમાન્ડે આક્રમક રણનીતિ અપનાવી છે. પ્રભારી મુકુલ વાસનિકની વિદાય બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં વધુ મોટા ફેરફારોના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
મુકુલ વાસનિકની વિદાય અને રણદીપ સિંહ સુરજેવાલાની એન્ટ્રી
ઓક્સિજન પર ચાલી રહેલી ગુજરાત કોંગ્રેસને પુનઃજીવિત કરવા માટે રાષ્ટ્રીય નેતૃત્વએ મોટો નિર્ણય લીધો છે. નિષ્ક્રિયતાના ગંભીર આક્ષેપો વચ્ચે પ્રભારી મુકુલ વાસનિકને પદ પરથી હટાવીને તેમના સ્થાને ઊર્જાવાન અને યુવા નેતા રણદીપ સિંહ સુરજેવાલાની નિયુક્તિ કરવામાં આવી છે. દિલ્હીમાં નવા પ્રભારીની આગેવાની હેઠળ હવે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને પ્રદેશ સંગઠનને નવો ઓપ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
‘બપોરે આવવું અને સાંજે જવું’ નીતિ વાસનિકને ભારે પડી
સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ પ્રભારી મુકુલ વાસનિકની કામ કરવાની પદ્ધતિથી કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ કરીને રાહુલ ગાંધી ભારે નારાજ હતા. વાસનિક ગુજરાતની મુલાકાત માત્ર ટૂંકા ગાળા માટે જ આપતા હતા, જેમાં બપોરે ૨ વાગ્યે અમદાવાદ આવીને સાંજે ૭ વાગ્યાની ફ્લાઈટમાં પરત ફરી જવાની પદ્ધતિ અપનાવી હતી. ગ્રાઉન્ડ લેવલ પર સમય ન ફાળવવાને કારણે પક્ષનું સંગઠન તૂટી ગયું હતું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટો પરાજય વેઠવો પડ્યો હતો.
આ પણ વાંચો: ડોલરનો ભંડાર તો ભરાયો, પણ બેન્કો માટે સર્જાયો ખતરો, જાણો RBIની સ્કીમનું છુપું જોખમ
સુનિલ કાનુગોલુના રિપોર્ટનો ધડાકો અને સહ-પ્રભારીઓની વિદાય
કોંગ્રેસના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર સુનિલ કાનુગોલુના આંતરિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે કે ચૂંટણી રણનીતિ માટે એવી સમિતિઓ બનાવાઈ હતી જેમાં જમીની સ્તરે કોઈ પ્રભાવ ન ધરાવતા નેતાઓ બેઠા હતા. આ રિપોર્ટના આધારે હવે હાઈકમાન્ડે રાજકીય સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું નક્કી કર્યું છે. મુકુલ વાસનિક બાદ હવે સહ-પ્રભારીઓ સુહાસીની યાદવ અને રામકિશન ઓઝાને પણ સંગઠનમાંથી મુક્ત કરવાના આદેશો ગમે ત્યારે બહાર પડી શકે તેવી પૂરી શક્યતા છે.
ભાજપ સામે લડવા માટે ડિજિટલ અને આક્રમક રણનીતિ
ગુજરાતમાં ભાજપના અત્યાધુનિક અને મજબૂત સંગઠન તંત્ર સામે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં લડવું નવા પ્રભારી રણદીપ સુરજેવાલા માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેશે. આ પડકારને પહોંચી વળવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે હવે મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અત્યંત આક્રમક પ્રચાર કરવાની એક નવી અને ધારદાર વ્યુહરચના તૈયાર કરી છે.
ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આ મોટા ફેરફારો સ્પષ્ટ સંકેત આપે છે કે હવે હાઈકમાન્ડ માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની વાસ્તવિકતાના આધારે જ કામ કરવા માંગે છે. નિષ્ક્રિય નેતૃત્વને સાઈડલાઈન કરીને યુવા નેતાઓને કમાન સોંપવાના આ પગલાથી પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાશે કે કેમ, તે તો આગામી સમય જ બતાવશે.
