અમેરિકા-કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ ચરમસીમાએ: 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ લાદતું કેનેડા!
અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વેપાર વિવાદ હવે અત્યંત ખતરનાક વળાંકે પહોંચ્યો છે. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો નિષ્ફળ જતાં કેનેડાએ આક્રમક વલણ અપનાવ્યું છે અને અમેરિકાને જડબાતોડ જવાબ આપતા સેંકડો આયાતી સામાન પર ભારે ભરખમ ટેરિફ ઝીંકી દીધો છે, જેનાથી ઉત્તર અમેરિકાના રાજકારણમાં અને આર્થિક બજારોમાં ભારે હલચલ મચી ગઈ છે.
કેનેડા દ્વારા 600થી વધુ અમેરિકી સામાન પર 50% સુધીનો જવાબી ટેરિફ
અમેરિકાના તાજેતરના નિર્ણયો સામે લાલઘૂમ થયેલા કેનેડાએ આકરું પગલું ભરતા ૬૦૦થી વધુ અમેરિકી સામાન પર ૫૦ ટકા સુધીનો જવાબી ટેરિફ લાગુ કરી દીધો છે. કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા ટેરિફ દર ૮ સપ્ટેમ્બરે મધ્યરાત્રિથી સત્તાવાર રીતે અમલમાં આવી ગયા છે. આ નિર્ણય હેઠળ કુલ ૬૨૯ જેટલી વિવિધ વસ્તુઓ પર ૧૫% થી લઈને ૫૦% સુધીનો ટેરિફ ઝીંકવામાં આવ્યો છે.
$27.6 અબજ કેનેડિયન ડોલરના વેપાર પર અસર
કેનેડા દ્વારા ટેરિફના દાયરામાં લાવવામાં આવેલા આ આયાતી સામાનનું વાર્ષિક મૂલ્ય આશરે ૨૭.૬ અબજ કેનેડિયન ડોલર (લગભગ ૨૦ અબજ અમેરિકી ડોલર) જેટલું થાય છે. આ પ્રસ્તાવમાં શરૂઆતમાં ૮૭૪ વસ્તુઓનો સમાવેશ કરાયો હતો, પરંતુ બાદમાં કેટલાક ફેરફાર કરીને દરિયાઈ ખાદ્યપદાર્થોને હટાવીને ૬૨૯ વસ્તુઓ આખરી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે સ્ટીલ, ફર્નિચર, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો સમાવેશ થાય છે. આ પગલાનો મુખ્ય હેતુ મિશિગન અને ઓહાયો જેવા અમેરિકી રાજ્યોના ઉદ્યોગો પર આર્થિક અને રાજકીય દબાણ ઊભું કરવાનો છે.
અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા વડાપ્રધાનની અપીલ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ દેશના વેપારીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ હવે અમેરિકા પરની પોતાની આર્થિક નિર્ભરતામાં ઘટાડો કરે. તેમણે એક વિડિયો સંદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કેનેડા પાસે પોતાની આર્થિક દિશા બદલવાની પૂરતી ક્ષમતા છે. આ બદલાવ લાવવા માટે શરૂઆતમાં થોડી કિંમત ચૂકવવી પડી શકે છે, પરંતુ હાથ પર હાથ ધરીને બેસી રહેવાના પરિણામો વધુ ગંભીર સાબિત થઈ શકે છે.
USMCA વેપાર કરારના ભવિષ્ય સામે ઊભો થયો પ્રશ્નાર્થ
ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાએ કેનેડાના વાઇન, ફર્નિચર, ડેરી ઉત્પાદનો, સિમેન્ટ અને સ્પોર્ટ્સ સામગ્રી જેવા ૨૦ અબજ ડોલરના સામાન પર ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં જ કેનેડાએ આ આકરી કાર્યવાહી કરી છે. કેનેડા તેની કુલ નિકાસનો ૬૮ ટકા હિસ્સો અમેરિકા મોકલે છે. બીજી તરફ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેનેડિયન બોમ્બાર્ડિયર વિમાનો અને વાહનો પર ટેરિફ વધુ વધારવાની ચેતવણી આપી છે. આ ટકરાવના કારણે ઉત્તર અમેરિકાના ત્રણેય દેશો વચ્ચેના મહત્ત્વપૂર્ણ ‘USMCA’ વેપાર કરારના ભવિષ્ય સામે પણ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
અમેરિકા અને કેનેડા વચ્ચેનો આ ટ્રેડ વોર હવે માત્ર ટેરિફ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે બંને દેશોના રાજકીય અને આર્થિક સંબંધો માટે એક મોટી કસોટી બની ગયો છે. જો આ વિવાદનો કોઈ કાયમી રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો તેની સીધી અસર વૈશ્વિક સપ્લાય ચેઈન અને બંને દેશોના ઉદ્યોગો પર જોવા મળશે.
