નફાખોરી કરતાં વચેટિયાઑ હટતા માત્ર ૨ દિવસમાં 14 ટન શાકભાજી વેચાઈ જવાથી લોકોની થઈ લાખોની બચત
મોંઘવારીના આ સમયમાં સામાન્ય નાગરિકો માટે શાકભાજી ખરીદવા મુશ્કેલ બનતા જતા હતા, ત્યારે દહેગામ એપીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ખેડૂત ગ્રાહક બજાર’ ની અનોખી પહેલે વચેટિયાઓની લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી દીધો છે. ખેડૂતો અને ગ્રાહકોને સીધા એક જ મંચ પર લાવતા આ મોડેલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.
દહેગામમાં ‘ખેડૂત ગ્રાહક બજાર’ થી વચેટિયાઓનો ખેલ ખતમ
દહેગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા અમદાવાદ રોડ પર ઔડા તળાવની બહાર ‘ખેડૂત ગ્રાહક બજાર’ ની શરૂઆત કરવામાં આવી છે. આ બજારના માધ્યમથી ખેડૂતો પોતાની તાજી શાકભાજી સીધી જ ગ્રાહકોને વેચી રહ્યા છે, જેના કારણે બજારમાં વચ્ચે નફો ખાનારા વચેટિયાઓનો ખેલ ખતમ થઈ ગયો છે અને ગ્રાહકોને અડધા કે તેનાથી પણ ઓછા ભાવે એકદમ તાજા શાકભાજી મળી રહ્યા છે.
માત્ર ૨ દિવસમાં ૧૪ ટન શાકભાજીનું ધમાકેદાર વેચાણ
આ ખુલ્લા બજારને નગરજનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. પ્રથમ દિવસે જ ૪ હજાર કિલો અને બીજા દિવસે સાંજે ૫ વાગ્યા સુધીમાં ૧૦ હજાર કિલોથી વધુ શાકભાજીનું વેચાણ થયું હતું. આમ, માત્ર બે જ દિવસમાં કુલ ૧૪ હજાર કિલો (૧૪ ટન) શાકભાજી વેચાઈ જવાથી એક નવો રેકોર્ડ સર્જાયો છે. ગ્રાહકોની ભારે પડાપડીના કારણે સ્ટોક વહેલો ખૂટી જતાં દહેગામ એપીએમસી અને આલમપુરથી વધારાનો સ્ટોક મંગાવવો પડ્યો હતો.
આ પણ વાંચો: અમેરિકા-કેનેડા વચ્ચે વેપાર યુદ્ધ ચરમસીમાએ: 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ લાદતું કેનેડા!
અન્ય બજારો અને દહેગામ બજારના ભાવ વચ્ચે જમીન-આસમાનનો તફાવત
બજારમાં વેચાતા શાકભાજીના ભાવમાં અન્ય શહેરોની સરખામણીએ મોટો તફાવત જોવા મળી રહ્યો છે, જેની સરખામણી નીચે મુજબ છે:
| શાકભાજીનું નામ | અન્ય શહેરના બજારોના ભાવ (પ્રતિ કિલો) | દહેગામ ખુલ્લા બજાર (પ્રતિ કિલો) |
| બટાકા | ₹૩૦ | ₹૧૦ |
| ડુંગળી | ₹૮૦ થી ₹૧૦૦ | ₹૬૦ |
| ભીંડા | ₹૫૦ | ₹૨૦ |
| ચોળી | ₹૫૦ થી ₹૬૦ | ₹૪૦ |
| મરચાં | ₹૬૦ | ₹૪૦ |
| ભઠ્ઠા (રીંગણ) | ₹૩૦ | ₹૨૦ |
| પાલક | ₹૫૦ | ₹૩૦ |
| ટામેટા | ₹૫૦ | ₹૩૦ |
નગરપાલિકાને આવક અને ગાંધીનગરમાં પણ આ મોડેલ શરૂ કરવાની માંગ
આ બજાર શરૂ કરવા માટે એપીએમસીએ દહેગામ નગરપાલિકા પાસેથી ૩ મહિના માટે જગ્યા ભાડાપટ્ટે મેળવી છે, જેના બદલે દર મહિને ૪૦ હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે, જેથી નગરપાલિકાને પણ નિશ્ચિત આવક થઈ રહી છે. દહેગામની આ આશ્ચર્યજનક સફળતા બાદ હવે ગાંધીનગરના સેક્ટર-૨૧ અથવા નવા સેક્ટરોમાં પણ આવું જ ઓપન બજાર શરૂ કરવાની માંગ વ્યાપક બની છે, જેથી અન્ય નાગરિકો પણ મોંઘવારીથી બચી શકે.
દહેગામની આ પહેલ સાબિત કરે છે કે જો યોગ્ય આયોજન કરવામાં આવે તો વચેટિયાઓની મિલીભગતને તોડીને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અને ગ્રાહકોને સસ્તા ભાવે ચીજવસ્તુઓ પૂરી પાડી શકાય છે. આ સફળ મોડેલ સમગ્ર રાજ્યના અન્ય શહેરો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
