મહિલા બેન્ક કર્મી તાલીમ માટે રાજકોટ આવ્યા’ને ઘરમાંથી લાખોની મત્તા ‘સાફ’
કોઈ જાણભેદૂનું જ કારસ્તાન: રોકડ, સોનાની ઘડિયાળના બેલ્ટ-બ્રેસલેટ સહિતના ઘરેણા સહિત ૭.૭૨ લાખની મત્તા ચોરાઈ
નાગરિક સહકારી બેન્કની જસદણ બ્રાન્ચમાં બેન્ક ઓફિસર તરીકે નોકરી કરતાં ૪૩ વર્ષીય મહિલા પોતાની તાલીમ માટે રાજકોટ આવ્યા બાદ તેમના ઘરમાંથી ૭.૭૨ લાખની મત્તા સાફ થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે જસદણના હરિકૃષ્ણનગર-૨માં ગંગાભૂવન નામના મકાનમાં રહેતા મોહિનીબેન જયંવતભાઈ વેગડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ગત ૨૯ નવેમ્બરે સવારે ૬:૧૫ વાગ્યા આસપાસ ઘેરથી નીકળી રાજકોટમાં પાંચ દિવસની બેન્ક તાલીમ માટે આવ્યા હતા. આ વેળાએ તેમણે ઘરને તાળું મારી દીધું હતું. જો કે ૧ ડિસેમ્બરે તેમના મોટાબાપુ ઈન્દુભાઈના દીકરાના ઘેર હતા ત્યારે પાડોશીનો ફોન આવ્યો હતો કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને અંદર કોઈ દેખાતું ન હોવાથી ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ સાંભળીને મોહિનીબેન તુરંત ઘેર જવા નીકળ્યા હતા.
ઘેર પહોંચીને જોયું તો મુખ્ય દરવાજે તાળું મારેલું હતું પરંતુ અંદર જવા માટે જારી અને દરવાજા બન્નેનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. રૂમમાં ગયા બાદ જોયું તો સામાન વેરવિખેર હતો અને કબાટમાં રાખેલી ચાંદીની કંકાવટી, ચાંદીના ગરબાનો સેટ, ચાંદીના રાણી સીક્કા, સોનાની ઘડિયાળના બેલ્ટ, સોનાનું બ્રેસલેટ, મોતીવાળું ચોકર, માળા, આખો સેટ, પાંચ વીટ્ટી, નાની-મોટી બુટ્ટી મળી ૧૫ તોલા જેટલું સોનું, ૭૦ હજારની રોકડ, એપલ કંપનીનું હેન્ડસ-ફ્રી ચોરાઈ ગયા હતા.
એકંદરે તસ્કરોએ મોહિનીબેનના ઘરમાં ત્રાટકીને ૭.૭૨ લાખની મત્તાની ચોરી કરતાં પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.