પાલીતાણામાં બનશે 65 રૂમની તાજ હોટેલ : તાજ ગ્રૂપ IHCL તથા રાજકોટનાં રાજવી પરિવારની ભાગીદારીમાં હોટેલનું થશે નિર્માણ
સૌરાષ્ટ્રમાં જૈનો સહિતના ધર્મપ્રેમીઓ માટેના ધાર્મિક તીર્થ પાલીતાણા ખાતે ૬૫ રૂમની અત્યાધુનિક હોટલ તાજનું નિર્માણ થશે. પાલીતાણા રાજ મહેલ (પાલીતાણા પેલેસ)ને હોટલમાં પરિવર્તીત કરાશે. પાલીતાણા પેલેસના ઓનર રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા સાથે મળી તાજ ગ્રૂપ હોટેલ બનાવશે. પેલેસને હોટલમાં પરિવર્તીત કરવા માટે રિનોવેશન કામકાજ પણ ચાલી રહ્યું છે. હોટેલમાં પ્રવાસીઓને મહેલમાં ઉતર્યાની અનુભૂતિ થાય તે રીતે હોટેલનો કોન્સેપ્ટ રખાયો છે. યાત્રીઓ-પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધા મળી રહેશે. હોટલને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ વિકાસાવાશે
તાજ ગ્રુપ આઈએચસીએલ (ઈન્ડિયન હોટેલ્સ કંપની લિ.) દ્વારા પાલીતાણા પેલેસ ખાતે હોટલ બનાવવા સંદર્ભે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનિત છતવાલે જાહેરાત કરી છે. રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા દ્વારા પાલીતાણા પેલેસ થોડા વર્ષ પહેલાં ખરીદ કરાયો હતો. જે પેલેસ હવે તાજ હોટલમાં પરિવર્તીત થશે. આધ્યાત્મિક પ્રવાસન સ્થળ મનાતા પાલીતાણામાં વિશ્વભરમાંથી આવનારા પ્રવાસીઓ યાત્રીઓને હવે સ્થાનિકસ્તરે જ તાજ હોટલની સુવિધા મળશે.
હોટલમાં ૨૪ કલાક રેસ્ટોરન્ટ, લાઉન્જ, જીમ, પુલ તથા સ્પા જેવી સુવિધાઓ સાથે હોટલ ઐતિહાસિક વારસાને ઉજાગર કરશે. ભારતની ઐતિહાસિક સમૃધ્ધિ, વારસાઓ, હવેલીઓ, કિલ્લાઓ સાચવવા એ તાજ હોટલ ગ્રુપનો કોન્સેપ્ટ રહ્યયો છે. પાલીતાણા પેલેસને રિનોવેટ કરી પેલેસને મુળ રૂપમાં હોટલમાં તબદિલ કરાશે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં તાજ ગ્રુપની એન્ટ્રી સાથે સૌરાષ્ટ્રમાં વિશ્વવિખ્યાત ગ્રુપની હોટલનું રાજકોટના રાજ પરિવાર સાથે નિર્માણ થઈ જવા રહ્યું છે. જેની વિધિવત ગઈકાલે આઈએસસીએલના એમ.ડી. દ્વારા રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની હાજરીમાં જાહેરાત કરાઈ હતી.
વેડિંગ ડેસ્ટિનેશન કે કાર્યક્રમો માટે 3000 ચો.મી.નો હોલ, વિશાળ લોન એરિયા
પાલીતાણા પેલેસ તાજ પાલીતાણા તરીકે તાજ ગ્રુપ હોટલમાં પરિવર્તીત થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હોટલ સાથે એક સારું વેડિંગ ડેસ્ટિનેશન પણ મળી રહે તેવો પણ કોન્સેપ્ટ છે. હોટલ ખાતે પેલેસમાં 3000 ચોરસ મીટરનો બોલરૂમ, કાર્યક્રમો માટેની મીટિંગ સ્પેશ તેમજ પેલેસના આઉટડોર એરિયામાં વિશાળ લોન ગ્રાઉન્ડ પણ મળશે. પાલીતાણા પેલેસની મુળ ભવ્યતાને પુનઃ સ્થાપિત કરવા સાથે ત્યાં શાહીકલા અને ઐતિહાસિક કલાકૃતિઓનો સંગ્રહ પણ પ્રદર્શિત કરવામાં આવશે.