રોજ ૧૫,૦૦૦ લોકોનું બપોરનું ભોજન એટલે છોલે-ભટૂરે, છોલે-ચાવલ
વાનગી ગમે તે શહેર-જિલ્લા-રાજ્યની હોય તેને પોતાની' બનાવવામાં રાજકોટીયન્સને કોઈ ન પહોંચેે...!
મેંદાથી તૈયાર થતાં ભટુરે પચાવવા સૌ કોઈનું કામ નથી છતાં તેની પરવા કર્યા વગર મોજથી
ભારે-ભરખમ’ છોલે-ભટુરે દાબી જાય છે
નાની-મોટી રેંકડીઓ, દુકાનો સહિત ૪૦થી વધુ સ્થળે મુળ દિલ્હીની વાનગીનું વેચાણ
અલગ-અલગ નામી-અનામી વાનગીઓના રાજકોટમાં ચાલી રહેલા ટે્રન્ડ અંગે દર સપ્તાહે સડસડાટ દોડતી વોઈસ ઓફ ડે'ની
ફૂડ એક્સપ્રેસ’માં આ વખતના હપ્તામાં આમ તો મુળ દિલ્હીની પરંતુ રાજકોટ માટે પોતીકી બની ગયેલી છોલે-ભટૂરે અને છોલે-ચાવલની પ્રસ્તુતિ લઈને આવી છે. આમ તો રાજકોટીયન્સ સ્વાદશોખીન એટલા બધા છે કે તે વાનગી કયા શહેર, જિલ્લા કે રાજ્યની છે તેની ક્યારેય પરવા કરતાં નથી, અહીંના લોકોને તો બસ, જીભને મજો પડી જાય એવી વાનગી મળી જાય એટલે તેને આંખ બંધ કરીને દાબી જવામાં ક્યારેય પાછીપાની કરતાં જ નથી ! તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટમાં રોજ ૧૫,૦૦૦ લોકોના બપોરનું ભોજન એટલે છોલે-ભટુરે અથવા તો છોલે-ચાવલ બની ગયા છે…!
છોલે-ભટુરે આમ તો દિલ્હી, પંજાબ, હરિયાણાની મુખ્ય વાનગી છે અને અહીંના લોકોને સખત ભાગદોડ રહેતી હોવાને કારણે તેઓ મજબૂત અને ટકાઉ ગણાતી છોલે-ભટુરે નામની વાનગીને સવારના નાસ્તામાં લેવાનું પસંદ કરતા હોય છે પરંતુ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને રાજકોટીયન્સ માટે છોલે-ભટુરેની ડિશ હવે લંચ બની ગઈ છે એટલા માટે જ શહેરમાં એક પછી એક છોલે-ભટુરેની દુકાન અને રેંકડીઓ ધમધમવાનું શરૂ થઈ ચૂક્યું છે. મેંદાથી તૈયાર થતાં ભટુરે પચાવવા અઘરા હોય છે અને નબળી પાચનશક્તિ ધરાવતા લોકો એકાદું ભટુરે ખાઈ લ્યે તો તેમને અપચો સહિતની સમસ્યા થઈ જાય છે ! આમ છતાં તેની પરવા કર્યા વગર માોજથી આ વાનગી દાબી જાય છે.
આવું જ કંઈક છોલે-ચાવલનું છે. આ વાનગી પણ અન્ય રાજ્યમાં સવારના નાસ્તામાં જ લેવામાં આવતી હોય છે પરંતુ રાજકોટના સ્વાદશોખીનો હવે તેને બપોરના ભોજનમાં લેતાં થઈ ગયા છે. એવું પણ નથી કે આ બન્ને વાનગી સવારના નાસ્તામાં જ લેવી જોઈએ કેમ કે ઘણા લોકો તેને ભોજનમાં લ્યે છે અને તેમને `ફાવટ’ પણ આવી ગઈ છે. બપોરના સમયે તમે કુંડલિયા કોલેજવાળી ગલી ઉપરાંત વિરાણી ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થાવ એટલે છોલે-ભટુરેની દુકાન-રેંકડી પર તમને ભીડ જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહેશે !
ભટુરે પામતેલમાં જ બનાવતાં હોવાનો એકરાર છતાં લોકો ગભરાતાં નથી !
સ્વાદશોખીનોની હિંમતને પણ દાદ આપવી પડે કેમ કે છોલે સાથે ખવાતાં ભટુરે પામતેલમાં જ બનાવવામાં આવતા હોવાનો ઘણાખરા ધંધાર્થી એકરાર કરે છે છતાં લોકો ગભરાવાનું નામ લેતાં નથી ! સૌ કોઈ જાણે છે કે પામતેલમાં બનેલી વાનગી વારંવાર ખાવી શરીર માટે નુકસાનકારક છે આમ છતાં તેની પરવા કરે કોણ ? ભટુરેની વાત કરીએ તો તે તેલથી તરબતર હોય છે અને જો તેને કાગળમાં પેક કરાય તો થોડી જ વારમાં કાગળ તેલયુક્ત થઈ જાય છે ! ખાસ કરીને ધંધાર્થીને એક વખત પૂછી લેવું જોઈએ કે આ ભટુરે તળ્યા કયા તેલમાં છે ?
ક્યાંક ૩૦ રૂપિયાની તો ક્યાંક ૬૦ રૂપિયાની પ્લેટ
રાજકોટમાં અત્યારે અંદાજે ચાલીસેક જગ્યાએ છોલે-ભટુરે અને છોલે-ચાવલનું વેચાણ થાય છે. અમુક જગ્યાએ ૩૦ રૂપિયાની ડીશ મળી જાય છે તો વળી, અમુક જગ્યાએ તેનો ભાવ ૬૦ રૂપિયા સુધીનો વસૂલવામાં આવે છે. જો કે `કિંમત જોઈને વાનગી ખાય તો તે રાજકોટીયન્સ ન હોય’ની માફક કિંમતની કોઈ પરવા કરતું નથી. છોલે-ભટુરેની સાથે જ ઠંડી છાશ, અથાણું અને ડુંગળી મળી જાય એટલે સ્વાદશોખીનોને ટેસડો પડી જાય છે.