રાજકોટના વેપારીની કારને ટંકારા નજીક આંતરી 1 કરોડની લૂંટ : કાર મૂકીને નાસી છૂટેલા આરોપીઓ નાકાબંધીમાં ઝડપાયા
રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં બિલિંગ પેઢી ધરાવતાં અને રોજિંદા મોટી રકમની હેરફેર કરતા નિલેશ ભાલોડી નામના વેપારીની કારને ટંકારા પાસે આંતરીને કાર સાથે કાર અથડાવી લાખો રૂપિયાની રકમની લૂંટ ચલાવ્યાની ઘટનાથી મોરબી, રાજકોટ અને અન્ય જિલ્લાની પોલીસમાં દોડધામ થઈ પડી હતી. કારમાં ભાગેલા શખસો બે કલાકના અંતરાલ બાદ ઝડપાઈ જતા મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ લેવા તજવીજ હાથ ધરાઈ હતી.
પોલીસના સૂત્રોમાંથી જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ રાજકોટમાં કાલાવડ રોડ પર રહેતાં નિલેશ ભાલોડી નામના વેપારી આજે બપોરના સમયે પોતાની કાર લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા પાસે અચાનક બે કાર ધસી આવી હતી. વેપારીની કાર સાથે બલેનો કાર અથડાઈ હતી. અંદરથી ઉતરેલા ઈસમો દ્વારા વેપારી સાથે મારામારી કરાઈ હતી અને કારમાં રહેલી મોટી રકમ અંદાજે એકાદ કરોડ રૂપિયા ભરેલી બેગ લઈને અન્ય પોલો કારમાં આરોપીઓ નાસી છૂટ્યા હતા. કાર સાથે કાર અથડાતાં આરોપીની બલેનો કારમાં નુકસાન થયું હતું અને કાર ચાલું ન થતાં આરોપીઓ તે કાર રેઢી મુકીને નાસી છૂટ્યા હતા.
બનાવ સંદર્ભે ટંકારા પોલીસ દ્વારા મોરબી જિલ્લા, રાજકોટ શહેર-જિલ્લા પોલીસને સુચિત કરીને નાકાબંધી કરાવાઈ હતી. જાણવા મળેલી વિગતો મુજબ પોલો કારમાં નાસી છૂટેલા આરોપી હરિપર પાસેથી પોલીસના હાથમાં સપડાઈ ગયા હતા. આરોપીઓને ટંકારા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ડીવાયએસપી સમીર સારડા સહિતના દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી અને પીઆઈ છાસીયા તેમજ અન્ય અધિકારીઓના ફોન પણ નો-રિપ્લાય થતાં હતા.
જેની લાખોની રકમ લૂંટાઈ હોવાની હાલ ચર્ચા છે તે નિલેશ ભાલોડી અગાઉ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના હાથે બેડી નજીકથી એકાદ કરોડની રોકડ સાથે કારમાં અન્ય વ્યક્તિ સાથે પકડાયો હતો અને ત્યારબાદ તેની પેઢીમાંથી પણ મોટી રકમ નીકળી પડી હતી. જે-તે સમયે માર્કેટ યાર્ડના કમિશન બિલ કે આવી કોઈ રકમ હોવાનું વેપારી દ્વારા જણાવાયું હતું અને ત્યારબાદ ઈઓડબલ્યુ દ્વારા આ વેપારીને ક્લિનચીટ આપીને મીઠા મોઢે રવાના કરી દેવાયો હતો. આજના બનાવમાં હજુ પોલીસે મગનું નામ મરી પાડ્યું નથી ત્યાં સુધી લૂંટ થઈ છે કે અન્ય કોઈ કારણોસર વેપારીને માર મારવામાં આવ્યો છે ? તે સ્પષ્ટ થયું નથી તેથી હજુ સત્તાવાર રીતે લૂંટ થઈ હોય તેવું કહી શકાય નહીં.