હવે મિનિટોમાં મળશે વીજ ફોલ્ટનું સોલ્યુશન : PGVCL રૂ.270 કરોડના ખર્ચે ખાસ ફોલ્ટ શોધ વાન કરશે તૈનાત
PGVCL દ્વારા વીજલાઈનો અંડરગ્રાઉન્ડ કર્યા બાદ વીજ ફોલ્ટ શોધવા માટે કલાકોનો સમય લાગી રહ્યો હોય આ મુશ્કેલીનો નિવેડો લાવવા હવે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ કમર કસી છે. ગ્રાહકોની મુશ્કેલી નિવારવા માટે આગામી સમયમાં રૂ.270 કરોડના ખર્ચે 108 જેવી ખાસ ફોલ્ટ રેક્ટીફિકેશન વાન વસાવવા જઈ રહી છે જે મિનિટોમાં જ ફોલ્ટને શોધી કાઢવા સક્ષમ બનશે. નવી સિસ્ટમને પગલે ફોલ્ટ શોધવા અને રીપેરીંગમાં જતો કલાકોનો સમય મિનિટોનો થશે.
રાજ્યમાં વીજચોરી ડામવા તેમજ વાયરોના જંગલને હટાવવા માટે વીજ કંપનીઓ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે પરંતુ જયારે અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈનમાં ફોલ્ટ આવે ત્યારે વીજકંપનીઓ ધંધે લાગે છે અને ખાસ ટીમ મેદાને ઉતારી ફોલ્ટ શોધવામાં આવતો હોય છે જેમાં કલાકો સુધીનો સમય વેડફવાની સાથે વીજ ગ્રાહકોને મુશ્કેલી અનુભવી પડતી હોવાથી યુજીવીસીએલ બાદ PGVCL એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા 108 જેવી ઇમરજન્સી વાન વસાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. આધુનિક ઉપકરણોથી સજ્જ ફોલ્ટ રેક્ટીફિકેશન વાનને વીજ ફોલ્ટ અંગેનો કોલ મળતા જ ગણતરીની મિનિટમાં ફોલ્ટ સ્થળે દોડી જશે અને ખાસ ઉપકરણની મદદથી પળવારમાં જ ફોલ્ટ શોધી તેનું નિરાકરણ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન PGVCLના કસ્ટમર કેર સેન્ટરમાં આવી 63,429 ફરિયાદો નોંધાઈ હતી. જેથી વીજ ફોલ્ટની સમસ્યા દૂર કરવા માટે PGVCL દ્વારા 270 કરોડના ખર્ચે ફોલ્ટ રેક્ટીફિકેશન વાન વસાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કે 12 સર્કલ અને રાજકોટ તેમજ ભાવનગર ડિવિઝન માટે કુલ 20 ફોલ્ટ રેક્ટીફિકેશન વાન તૈનાત કરવામાં આવશે. ડિજિટલ આધુનિક મીટરથી સજ્જ આ ફોલ્ટ રેક્ટીફિકેશન વાનને કોલ મળતા જ પળવારમાં ફોલ્ટ વાળા વિસ્તારમાં દોડી જઈ ખાસ મિત્ર વડે ફોલ્ટ શોધી કાઢી ફોલ્ટને દુરસ્ત કરવામાં આવશે.
જૂન-જુલાઈમાં સૌથી વધુ વીજ ફોલ્ટ
ચોમાસા દરમિયાન સૌથી વધુ વીજ ફોલ્ટ સર્જાતા હોય છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 2500થી 4000 જેટલી ફરિયાદો મળતી હોય છે. PGVCLના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત વર્ષ મે મહિનામાં 8268, જૂન માસમાં 10,364, જુલાઈમાં 8346 અને ઓગસ્ટ મહિનામાં 5703 ફરિયાદો મળી હતી. જો કે, ફોલ્ટ રેક્ટીફિકેશન વાન વસાવવામાં આવ્યા બાદ ચોમાસા દરમિયાન મળતી કંપ્લેઇનનો પણ ઝડપી નિકાલ થઇ શકશે.