આયુર્વેદિક એસોસિએશને એલોપથી પ્રેક્ટિસ પરના પ્રતિબંધને પડકાર્યો
ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક ડોક્ટરોએ એલોપેથિક દવાઓ લખવા માટે કાનૂની સત્તા મેળવવા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. `ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે, જે પ્રેક્ટિશનરોએ તેમના ઇન્ટિગ્રેટેડ મેડિકલ ટે્રનિગના ભાગરૂપે ઔપચારિક રીતે એલોપેથિક વિષયોનો અભ્યાસ કર્યો છે, તેમને તેમના ક્લિનિકલ પ્રેક્ટિસમાં તે જ્ઞાનનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ.
એસોસિએશનનો દાવો છે કે અભ્યાસક્રમ ઇન્ટિગ્રેટેડ હોવા છતાં, રાજ્ય અને કેન્દ્રીય નિયમનકારી સત્તાધિકારીઓ વર્ષોથી આ પરવાનગી આપવાનો ઇનકાર કરી રહ્યા છે. પોતાના પક્ષના સમર્થનમાં અરજદારોએ સુપ્રીમ કોર્ટના ૨૦૧૮ના એક આદેશનો સહારો લીધો છે. તે ચુકાદામાં આયુર્વેદિક અને એલોપેથિક બંને પદ્ધતિઓ ભણાવતી સંસ્થાઓમાંથી માન્ય ડિગ્રી ધરાવતા પ્રેક્ટિશનરોને રક્ષણ આપવામાં આવ્યું હતું અને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા પર સ્ટે આપવામાં આવ્યો હતો.
જસ્ટિસ એચ. એમ. પ્રચ્છકે આ અરજીને ગ્રાહ્ય રાખી છે અને રાજ્ય સરકાર, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને નેશનલ કમિશન ઓફ ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન સહિતના સત્તાધિકારીઓ પાસેથી જવાબ માંગતી નોટિસ જારી કરી છે.
હાઈકોર્ટે આ નવી અરજીને લગભગ બે દાયકાથી પેન્ડિગ રહેલા સંબંધિત કેસની સાથે સાંભળવાનો નિર્ણય લીધો છે. અગાઉની લિટિગેશન, જે ૨૦૦૬માં દાખલ કરવામાં આવી હતી, તેમાં રાજ્ય સરકારના એ પરિપત્રને પડકારવામાં આવ્યો છે જે ગુજરાતમાં એલોપેથીની પ્રેક્ટિસ કરવા માટે માત્ર ખઇઇજ લાયકાત ધરાવતા ડોક્ટરોને જ મંજૂરી આપે છે. આ નવી અરજી દાખલ થયા બાદ, ગુજરાત મેડિકલ કાઉન્સિલ (ૠખઈ) એ પણ ઔપચારિક રીતે આ અરજીનો વિરોધ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. બુધવારે થયેલી સુનાવણી દરમિયાન, જસ્ટિસ પ્રચ્છકે તમામ પક્ષકારોને એક સપ્તાહમાં તેમના જવાબો રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો અને વધુ સુનાવણી માટેની તારીખ નક્કી કરી છે.
