જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
મારા-તારા ભૂલી જાવ, એક થઇને ચૂંટણી લડો: એકેય બેઠક ઓછી ન થવી જોઈએ
વધુમાં વધુ બાઈકરેલી કરો: દરેક કાર્યકરને ચૂંટણીના કામમાં જોતરી દો: પક્ષને નુકસાન થાય એવું કામ કરનાર એક પણ નેતા-કાર્યકરને માફી નહીં મળે: અંદરોઅંદરના વિવાદ છોડવા પણ ટકોર
મહાપાલિકાની ચૂંટણી આડે હવે દસ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે કાયમ ચૂંટણી મોડમાં રહેતાં ભાજપે તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ગુરૂવારે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કર્યા બાદ બપોરે શહેર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પસંદ કરાયેલા ૭૨ ઉમેદવારોનો ૪૫ મિનિટ સુધી `ક્લાસ’ લઈને ચૂંટણી જીતવાનો મંત્ર પણ આપ્યો હતો સાથે સાથે ભારપૂર્વક ટકોર પણ કરી હતી. જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે મારા-તારા ભૂલીને તમામે એક થઈને ચૂંટણી લડવાની છે અને આ વખતે એક પણ બેઠક ઓછી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
આ બેઠક બપોરે ૩:૩૦ વાગ્યાથી શરૂ થઈને ૪:૧૫ વાગ્યા સુધી ચાલી હતી જેમાં લગભગ તમામ ઉમેદવારો ઉપરાંત શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકને સંબોધન કરતાં જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ચૂંટણીમાં વાતાવરણ ભાજપ તરફે જ છે તેમાં કોઈ શંકા નથી અને ભાજપનો વિજય પણ નિશ્ચિત જણાઈ રહ્યો છે આમ છતાં અતિ આત્મવિશ્વાસમાં આવીને બેસી રહેવાની જગ્યાએ દરેક ઉમેદવાર તેમજ કાર્યકરે લોકોના ઘર-ઘર સુધી પહોંચી પ્રચાર કરવો જરૂરી બની જાય છે. આ ઉપરાંત વધુમાં વધુ સંખ્યામાં બાઈકરેલી કરવા પણ તેમણે ટકોર કરી હતી.
શહેર ભાજપ પાસે કાર્યકરોની વિશાળ ફોજ ઉપલબ્ધ હોય કોઈ કાર્યકર ચૂંટણીના કામથી અલિપ્ત ન રહી જાય તેનું ધ્યાન રાખવા ઉમેદવાર તેમજ શહેર ભાજપના હોદ્દેદારોને સુચના આપવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કે ચૂંટણી બાદ પક્ષને નુકસાન થાય તેવું કામ કરનાર એક પણ નેતા કે કાર્યકરને માફી નહીં મળે તેવી ભારપૂર્વકની ચેતવણી પણ આ બેઠકમાં આપી દેવામાં આવી હતી સાથે સાથે અંદરોઅંદરના વિવાદને કોરાણે મુકી કમળને વિજયી બનાવવા માટે ધ્યાન આપવા જણાવાયું હતું.
