ન્યૂ મેન્ટલ કેમ્પસમાં રૂા.105 કરોડના ખર્ચે હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવાશે: આરોગ્ય રાજ્ય મંત્રી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ- અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતેના અતુલ્યમ ૧ થી ૪ બ્લોકને થયેલા નુકસાન પેટે ટાટા એરલાઈન્સ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને રૂ. ૫૩.૧૨ કરોડ ચૂકવશે
આ અંગે વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગત તા. ૧૨ જૂન ૨૦૨૫ના રોજ મેઘાણીનગર ખાતે થયેલા વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના ‘અતુલ્યમ ૧ થી ૪’ બ્લોક્સ, કેન્ટીન અને સબ-સ્ટેશન બિલ્ડિગને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનીના વળતર પેટે આરોગ્ય વિભાગે ટાટા એરલાઈન્સ પાસે રૂ.૫૩.૧૨ કરોડની માંગણી કરવામાં આવી હતી. જેનો ટાટા એરલાઈન્સે સાનુકૂળ પ્રતિભાવ આપ્યો છે અને આગામી સમયમાં આ રકમ તે ચૂકવી આપશે.
દુર્ઘટના સમયે આ હોસ્ટેલમાં કુલ ૯૨ વિદ્યાર્થીઓ રહેતા હતા. વિમાન દુર્ઘટના બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં આ બિલ્ડિગ્સ રહેવા માટે અસુરક્ષિત જાહેર થતાં તેને તોડી પાડવાની ફરજ પડી હતી. આમ, વિદ્યાર્થીઓની રહેવાની સુવિધા ખોરવાય નહીં અને તેમના હિતમાં તાત્કાલિક નવીન હોસ્ટેલ બનાવવાનો નિર્ણયસરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ -અસારવા નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે ડૉક્ટર્સ માટે અંદાજિત રૂ.૧૦૫ કરોડના ખર્ચે નવીન અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. મેડિકલ ક્ષેત્રે સુપર સ્પેશિયાલિટીની નવીન ૪૮ બેઠકોના વધારાને ધ્યાનમાં રાખીને, આગામી ત્રણ વર્ષના કુલ ૧૪૪ વિદ્યાર્થીઓ સહિત કુલ ૨૩૬ સુપર સ્પેશિયાલિટી મેરીડ પી.જી. ડોક્ટર્સ રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ન્યૂ મેન્ટલ કેમ્પસ – આઈ.જી.પી. કમ્પાઉન્ડ, મેઘાણીનગર ખાતે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ બ્લોક ઉપરાંત એક આધુનિક કેન્ટીન બ્લોક અને નવું સબ-સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે પૂરતી જગ્યા પણ ફાળવી દીધી છે.
