NEET પેપર લીક કાંડ પછી વધુ એક શંકાસ્પદ ઘટના
કોઈ બીજાની જ ઉત્તરવહીઓ પધરાવી દેવાઈ, બોર્ડની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ શંકાના ઘેરામાં
NEET પેપર લીક કાંડ ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં CBSE દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ ની પરીક્ષામાં પણ મોટા છબરડા થયા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.બોર્ડ દ્વારા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ ઉત્તરવહીઓમાં અદલાબદલી થઈ ગયાનું ખુલતા બોર્ડના પારદર્શિતાના દાવાઓ સામે સવાલ ઊભા થયા છે.બોર્ડની ભૂલનો ભોગ બનેલા બે વિદ્યાર્થીઓએ
સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કર્યા બાદ ભારે ચકચાર મચી જવા પામી છે અને આ એકલ દોકલ ઘટના છે કે અનેક વિદ્યાર્થીઓ સાથે આવું બન્યું હશે તેવા સવાલો ઊભા થયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો માત્ર કારકુની ભૂલનો નહી પરંતુ બોર્ડની નવી ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિ ઓન-સ્ક્રીન માર્કિગ' (OSM) ની સુરક્ષા અને ગુણવત્તા સામે બહુ મોટો ડિજિટલ છબરડો હોવાનું સામે આવી રહ્યું છે. વિગત એવી છે કે CBSE એ પરિણામો બાદ વિદ્યાર્થીઓના સંતોષ માટે ઓરિજિનલ ઉત્તરવહીની સ્કેન કોપી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાની સિસ્ટમ શરૂ કરી છે. આ વર્ષે પેપર ચેકિગ માટે નવી ડિજિટલઓન-સ્ક્રીન માર્કિગ’ (OSM) ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. જેમાં ભૌતિક પેપર્સને સ્કેન કરી, બારકોડ લગાવીને ડિજિટલ ડેટાબેઝમાં અપલોડ કરાયા હતા. આ પ્રક્રિયા દરમિયાન કાં તો ખોટો બારકોડ ચોંટાડવામાં આવ્યો અથવા તો ડિજિટલ પોર્ટલ પર ડેટા અપલોડ કરતી વખતે ભારે મિક્સ-અપ (અદલાબદલી) થઈ ગઈ. પરિણામે, એક વિદ્યાર્થીની ઉત્તરવહી બીજા વિદ્યાર્થીના એકાઉન્ટમાં ટેગ થઈ ગઈ અને વિદ્યાર્થીઓને પોતાની જ માર્કશીટ પરથી ભરોસો ઉઠી ગયો.
વેદાંત અને સંજના: અક્ષરો બદલાઇ જવાની અજીબોગરીબ બે ઘટનાઓ
વેદાંતનો કિસ્સો (ફિઝિક્સ પેપર)
ધોરણ-૧૨ના વિદ્યાર્થી વેદાંતે ફિઝિક્સ (ભૌતિક વિજ્ઞાન) ના પેપરની સ્કેન કોપી મંગાવી ત્યારે જોયું કે ઉત્તરવહીમાં લખેલા જવાબોના અક્ષરો, લખવાની શૈલી અને સ્પેસિગ તેના પોતાના નહોતા. આ મામલો રાષ્ટ્રીય સ્તરે ગાજ્યા બાદ આખરે CBSE એ સ્વીકારવું પડ્યું કે વેદાંતના કેસમાં ભૂલ થઈ હતી અને હવે તેનું પરિણામ સુધારવામાં આવી રહ્યું છે.
સંજનાનો કિસ્સો તો અતિ ગંભીર
સંજના નામની અન્ય એક વિદ્યાર્થીની સાથે તો આનાથી પણ વધુ આઘાતજનક ઘટના બની. તેના કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) ના પેપરનું માત્ર પહેલું જ પાનું (જેમાં વિદ્યાર્થીની અંગત વિગતો અને રોલ નંબર હોય છે) તેનું પોતાનું હતું, જ્યારે અંદરના તમામ પાના અને જવાબો કોઈ તદ્દન ત્રીજી જ વ્યક્તિના અક્ષરોમાં લખાયેલા હતા! સંજનાના પરિવારજનોએ ઓરિજિનલ પેપરની ચકાસણી માટે બોર્ડનો સંપર્ક કર્યો છે. આ મુદ્દે બોર્ડે હજુ સુધી કોઈ ખુલાસો આપ્યો નથી.
લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં? ઊભો થયો યક્ષપ્રશ્ન!
વેદાંત અને સંજનાને કોની ઉત્તરવહીઓ મળી તે રહસ્ય હજુ અકબંધ છે, પરંતુ આ ગોટાળાના લાંબાગાળાના પરિણામો અત્યંત ભયાનક હોઈ શકે છે. જો વેદાંતને મળેલી ફિઝિક્સની ઉત્તરવહી કોઈ બીજાની હતી, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે વેદાંતની પોતાની અસલી ઉત્તરવહી પણ ક્યાંક ગાયબ છે અથવા કોઈ અન્ય વિદ્યાર્થીને મળી ગઈ છે. આ વર્ષે ધોરણ-૧૨માં આશરે ૧૭ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જેવા મુખ્ય વિષયોની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ ૪ લાખથી વધુ છે. આવી સ્થિતિમાં હવે એ વાતની શું ગેરંટી કે આ બે કિસ્સા સિવાય બાકીના લાખો વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પણ અંદરોઅંદર મિક્સ-અપ નહી થઈ હોય! આ એક જ સવાલે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કરિયરને અધ્ધરતાલ કરી દીધું છે.
