ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”
અફઘાનિસ્તાન સામે 13 જૂનથી શરૂ થતી વન-ડે સીરિઝ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જાંઘના સ્નાયુમાં ખેંચાણના કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં ટીમનું બેટિંગ-બોલિંગનું સંતુલન ખોરવાશે અને યુવા ખેલાડીઓ પર વધારાની જવાબદારી આવી પડશે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી ત્રણ મેચોની વન-ડે સીરિઝ રમાવાની છે, પણ તે પહેલા જ ભારતીય ટીમને હાર્દિક પંડ્યાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. BCCIની મેડિકલ અપડેટ મુજબ હાર્દિકને ‘લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન’ થયો છે. આ જાંઘના આગળના ભાગના સ્નાયુઓમાં ખેંચાણની ઈજા છે અને તેને રિકવર થવામાં લગભગ ત્રણ અઠવાડિયા લાગશે. એટલે તે 13, 17 અને 20 જૂને રમાનારી એક પણ મેચ રમી શકશે નહીં.
હાર્દિક તાજેતરમાં IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતી વખતે પીઠના સ્નાયુઓમાં ખેંચાણથી પીડાતો હતો. તે ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ફિટનેસ ક્લિયરન્સ માટે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ ગયો હતો. ત્યાં ફિટનેસ ટેસ્ટ દરમિયાન 10 ઓવર બોલિંગ કરતા તેને જાંઘમાં નવી ઈજા થઈ હોવાનું સામે આવ્યું. મેડિકલ ટીમ હવે તેની રિકવરી પર નજર રાખશે.
આ પણ વાંચો: કોકરોચ: અત્યારે તો પ્રજા માટે માત્ર મનોરંજન
ટીમ ઈન્ડિયા પર અસર
હાર્દિક ટીમનો સૌથી મહત્વનો ઓલરાઉન્ડર છે. તે મિડલ ઓર્ડરમાં ઝડપી બેટિંગ કરે છે અને નવા બોલ તેમજ મિડલ ઓવરોમાં ફાસ્ટ બોલિંગનો વિકલ્પ આપે છે. તેના વગર ટીમ મેનેજમેન્ટે પ્લેઈંગ-11નું સંતુલન ફરીથી ગોઠવવું પડશે. કેપ્ટન શુભમન ગિલ માટે આ મોટો પડકાર છે.
કોનાથી અપેક્ષા વધશે?
હાર્દિકની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર તરીકે નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગટન સુંદર અને હર્ષ દુબે પર વધારાની જવાબદારી આવશે. બેટિંગમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને ઈશાન કિશન પાસેથી મોટી ઈનિંગની આશા રખાશે.
સીરિઝનું શેડ્યૂલ
– પ્રથમ વન-ડે: 13 જૂન, ધર્મશાલા, બપોરે 1:30 વાગ્યે
– બીજી વન-ડે: 17 જૂન, લખનૌ, બપોરે 1:30 વાગ્યે
– ત્રીજી વન-ડે: 20 જૂન, ચેન્નાઈ, બપોરે 1:30 વાગ્યે
ભારતનો વન-ડે સ્કવૉડ
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, ઈશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિંસ યાદવ અને ગુરનૂર બરાર. હાર્દિકના રિપ્લેસમેન્ટની જાહેરાત હજુ બાકી છે.
IPL 2026માં પણ હાર્દિક ફિટનેસના કારણે મુંબઈ ઈન્ડિયન્સની કેટલીક મેચ રમી શક્યો નહોતો. તેણે 24 મેના રોજ રાજસ્થાન સામે વાપસી કરી હતી, પણ હવે ફરી ઈજાગ્રસ્ત થયો છે. આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો પહેલા અફઘાન સીરિઝ મહત્વની છે, એટલે હાર્દિકનું બહાર થવું ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે. હવે સૌની નજર એ વાત પર છે કે તેની જગ્યાએ કોને તક મળે છે અને ભારત કયા સંયોજન સાથે મેદાનમાં ઉતરે છે.
