એશિયન ગેમ્સ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગૌરવયાત્રા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની તથા એમ.વી.એમ. મહિલા કોલેજ, રાજકોટની પ્રતિભાશાળી એથ્લેટ દેવયાનીબા ઝાલાએ ભુવનેશ્વર (ઓડિશા) ખાતે યોજાયેલી 65મી નેશનલ ઇન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026ની મહિલા 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવી 2026 નાગોયા (જાપાન) એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતગમતના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ ઉમેર્યું છે.
દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર ગુજરાતની એકમાત્ર મહિલા એથ્લેટ બન્યા છે. ભારતમાંથી આ ઇવેન્ટ માટે પસંદગી પામેલા ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભા, સતત મહેનત અને સમર્પણનો પરિચય આપ્યો છે.
આ પણ વાંચો: “ચંદા ચોર” અનુકલ્પ મિશ્રાના ધાર્મિક ઉત્સવમાં ચંપત રાય હાજર રહ્યા હતા
ઓલ ઇન્ડિયા તથા વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેમણે અનેક ચંદ્રકો જીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડ લેવલ પર નોંધાવેલા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ક્વોલિફાઇંગ સમયના આધારે જ આજે તેઓ એશિયન ગેમ્સ સુધી પહોંચવામાં સફળ થયા છે.
દેવયાનીબા ઝાલાની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ હવે તેમનું ભારત સરકાર દ્વારા એશિયન ગેમ્સની તૈયારી માટે આયોજિત ઇન્ડિયા કેમ્પમાટે પણ સિલેક્શન થયું છે. દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે તેઓ હવે વિશેષ તાલીમ મેળવી એશિયન ગેમ્સ માટે પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે. આ સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે વધુ એક ગૌરવની ક્ષણ બની છે. સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા દેવયાનીબા ઝાલાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
