“ચંદા ચોર” અનુકલ્પ મિશ્રાના ધાર્મિક ઉત્સવમાં ચંપત રાય હાજર રહ્યા હતા
મિશ્રા પરિવાર રાતોરાત વૈભવમાં આળોટવા લાગ્યો મહોત્સવના ખર્ચ અને સંપત્તિના સ્ત્રોત અંગે સવાલો
અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસમાં મુખ્ય આરોપી ગણાતા અનુકલ્પ મિશ્રાના ગામમાંથી અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. થોડા સમય પહેલાં સુધી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતો પરિવાર અચાનક વૈભવી જીવન જીવવા લાગ્યો હતો. બીજી તરફ, અનુકલ્પે યોજેલા ભવ્ય સાત દિવસીય ધાર્મિક મહોત્સવમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી ચંપત રાય સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હોવાના ફોટા સામે આવતાં હવે તે મહોત્સવના ખર્ચના સ્ત્રોત અંગે પણ સવાલો ઊભા થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડની વિસ્તૃત તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અનુકલ્પ મિશ્રાએ પોતાના સાળા લવકુશ મિશ્રાને પણ મંદિરના દાનની ગણતરી કરતી ટીમમાં સામેલ કરાવ્યો હતો. હાલ બંને સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તમામની સંપત્તિ, બેંક ખાતાં અને નાણાકીય વ્યવહારોની તપાસ કરીને દાનની રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચાઈ તેની કડી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિમંડળ જશે
અનુકલ્પના દાદાએ પોલીસને જણાવ્યું કે 30 એપ્રિલે ગામમાં સાત દિવસીય ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કથાવાચક ઉપરાંત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ચંપત રાય, અયોધ્યાના મેયર તથા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાનું ફોટોગ્રાફ્સ પરથી સામે આવ્યું છે. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આટલા મોટા કાર્યક્રમ માટે ખર્ચાયેલું નાણું ક્યાંથી આવ્યું.
ગામલોકોના જણાવ્યા અનુસાર થોડા વર્ષો પહેલાં આર્થિક સંકટમાં રહેલો પરિવાર આજે વૈભવી જીવન જીવતો જોવા મળે છે. આ બદલાયેલી જીવનશૈલી હવે તપાસ એજન્સીઓ માટે પણ મહત્વનો મુદ્દો બની છે.
રાતોરાત ફાર્મહાઉસ, એસયુવી અને હવેલી જેવું મકાન…
દાનચોરી કેસના આરોપી અનુકલ્પ મિશ્રાની વધતી સંપત્તિ હવે તપાસનો મહત્વનો ભાગ બની છે.પોલીસ હવે તમામ આરોપીઓની મિલકતો, બેંક ખાતાં અને આવકના સ્ત્રોતની ઊંડાણપૂર્વક તપાસ કરીને મની ટ્રેલ શોધી રહી છે.
ગામની બહાર નવું ફાર્મહાઉસ
ગામમાં સૌથી ભવ્ય અને હવેલી જેવું મકાન
અયોધ્યામાં ₹65 લાખના મકાનની ખરીદી
અગાઉથી કાર હોવા છતાં નવી સ્કોર્પિયો એસયુવી બુક કરાવવાની તૈયારી.
સાળા લવકુશ મિશ્રાએ એક લાખ રૂપિયાથી વધુ કિંમતની નવી મોટરસાઇકલ ખરીદી.
