રાજકોટની બે બહેનપણી ગાયબ: 15 વર્ષની સગીરા ઘરેથી 20 હજારની રોકડ લઈ સહેલી સાથે ગુમ, વાંચો શું છે સમગ્ર ઘટના
રાજકોટ શહેરના નાગરિક બેન્ક ચોક નજીક રહેતાં અને ભક્તિનગરમાં ફુલની દુકાન ધરાવતાં વેપારીનો 15 વર્ષનો પુત્ર ઘર છોડી છોડીને ચાલ્યો ગયા બાદ પોલીસ તેને મહામહેનતે દિલ્હીથી શોધી લાવ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં આવો જ વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. શહેરના પેડક રોડ ઉપર રહેતી અને એ જ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા તેના જ ઘરમાંથી 20,000ની રકમ ચોરી 14 વર્ષની બહેનપણી સાથે ગાયબ થઈ જતાં બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ આ બન્નેને શોધવા માટે રીતસરનો ધંધે લાગી ગયો હતો.

આ અંગે 15 વર્ષીય સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની 15 વર્ષ ચાર મહિના 13 દિવસની વય ધરાવતી પુત્રી પાડોશમાં રહેતા પરિવારની 14 વર્ષની પુત્રી સાથે 9 જૂને સવારે 7 થી 12 વાગ્યા સુધી સ્કૂલે ગઈ હતી. સ્કૂલે જઈ આવ્યા બાદ બન્ને બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન પેડક રોડ પર જ આવેલી શાળામાં ટ્યુશન માટે પણ જાય છે. નવ જૂને બન્ને બપોરે 2:45 વાગ્યા આસપાસ ટ્યુશન જવાનું કહીને ઘેરથી નીકળી હતી. પાંચ વાગ્યાની જગ્યાએ ૫:૩૦ જેવો સમય થઈ જવા છતાં બન્ને પરત નહીં આવતાં ફરિયાદીએ પોતાની મોટી પુત્રી કે જે ૧૭ વર્ષની છે તેને શાળા પર મોકલી હતી પરંતુ ત્યાંથી શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બન્ને ટ્યુશન ક્લાસમાં આવી જ નથી.
આ પછી ચિંતીત પિતા સ્કૂલે દોડી જઈને તપાસ શરૂ કરી હતી. આ વેળાએ ૧૪ વર્ષની બાળકીના પિતા પણ સ્કૂલે આવી જતાં તમામે મળીને તપાસ કરતાં પેડક રોડપર મેલડી માના મંદિર પાસે બન્ને બાળકીની સાઈકલ રેઢી મળી આવી હતી. પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા બન્નેનું કોઈ જ પગેરું ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં તા.26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : CM ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રીઓ થશે સહભાગી
પોલીસ ફરિયાદ નોંધાતાં જ બી-ડિવિઝનના સ્ટાફે બાળકીની શોધખોળ શરૂ કરતા એવી વિગત સામે આવી હતી કે જે ૧૫ વર્ષની બાળકી છે તેના ઘરમાંથી બે દિવસ પહેલાં ૨૦ હજારની રકમ પણ ગાયબ થઈ ગઈ હોય આ રકમ બાળકી જ લઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. આ પછી પોલીસે બન્ને બાળકીએ જ્યાં સાઈકલ મુકી હતી ત્યાંના સીસીટીવી ચેક કરતાં બન્ને રિક્ષામાં બેસીને જઈ રહેલી દેખાઈ હતી. આ પછી પોલીસે આખા પેડક રોડ, સંતકબીર રોડ તેમજ બસ સ્ટેન્ડ આસપાસ તેમજ અંદરના ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ કશી ભાળ ન મળતાં રેલવે સ્ટેશન આસપાસના ફૂટેજ ચેક કરતા બન્ને બાળકી ત્યાં દેખાઈ હતી જેથી પોલીસ ત્યાં દોડી ગઈ હતી. અનુમાન પ્રમાણે બન્ને બાળકી ટ્રેનમાં બેસીને રવાના થઈ ગઈ હોય તેવું બની શકે તેમ હોવાથી એ દિશામાં પણ તપાસનો દોર લંબાવાયો છે.
સ્કૂલ ખૂલી ‘ને પ્રથમ દિવસે જ બન્ને ગૂમ
શાળામાં 35 દિવસની વેકેશન પડયા બાદ સોમવારથી ફરી ધમધમાટ શરૂ થયો હતો. આ બન્ને બાળકી પણ સ્કૂલ ખૂલ્યાના પ્રથમ દિવસે સ્કૂલે ગયા બાદ ગાયબ થઈ જતાં એવું પણ બની શકે કે બન્નેને ભણવાનું પસંદ ન હોય અથવા તો આટલા દિવસ રજાનો આનંદ માણ્યા બાદ સ્કૂલ કે ટયુશન જવું ગમતું ન હોય ઘર છોડી દીધું હોઈ શકે… જો કે પોલીસ અત્યારે આ તમામ દિશામાં ધ્યાન કેન્દ્રીત કરીને કોઈ પણ ભોગે બાળકીઓને શોધવા માટે પ્રયત્નશીલ છે.