‘IT’ની સુપર રેઇડ: પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યાં
રાધે,તીર્થંક,સોહમ,ધરતી,ટ્રોઝન ગ્રૂપને ત્યાં દરોડાનો આજે બીજો દિવસ
નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલાં રાજ્યમાં ઇન્કમટેક્સના લગાતાર દરોડા:મોરબી, મહેસાણા અને અમદાવાદ સહિત 35 જેટલા સ્થળો પર 200 થી વધુ અધિકારીઓની તપાસ: છ મહિનાની રેકી બાદ મળી મોટી સફળતા:રોકડ,દાગીના અને ડેટા સિઝ: બિલ્ડરો અને ઉદ્યોગકારોમાં દોડધામ
નાણાકીય વર્ષ પૂરું થવાને આજે હવે થોડા મહિનાઓ બાકી છે તે પહેલા ઇન્કમટેક્સ વિભાગે રાજ્યવ્યાપી દરોડાનો દોર શરૂ કર્યો છે. મોરબી, મહેસાણા અને અમદાવાદમાં સુપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગુજરાતના જાણીતાં બિલ્ડર રાધે ગ્રુપ તેમજ તેની સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત અને પોલિટિકલ કનેક્શન ધરાવતા સોહમ અને તીર્થક પેપર મીલને ત્યાં ગઈકાલથી દરોડાનો ધમધમાટ શરૂ થયો છે જે આજે પણ ઓપરેશન ચાલી રહ્યું છે. આવકવેરાના દરોડા ના પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુના બીનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે. હજુ પણ આ દરોડાના દિવસો લંબાશે તેવી શક્યતા છે.
ગુજરાત ઇન્કમટેક્સની ડાયરેક્ટ વીંગએ આ ઓપરેશન ને લીડ કર્યું છે જેમાં રાજકોટ, મોરબી, ગાંધીધામ, અમદાવાદ, વડોદરાના અધિકારીઓ જોડાયા છે અને 35 જેટલી જગ્યાએ 200 થી વધુ અધિકારીઓ દ્વારા બે દિવસથી આ તપાસ ચાલી રહી છે.
ઇન્કમટેક્સની મુખ્ય રડારમાં ધરતી,ટ્રોઝન અને રાધે ગ્રૂપ છે. જેની સાથે સંકળાયેલા એક્ટિવ અને સાઇલેન્ટ પાર્ટનરને ત્યાં પણ દરોડા પડતા આખું મેગા સર્ચ રાજ્ય વ્યાપી થઈ ગયું છે. જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં વર્ષો જુના પેપર ગ્રુપ તીર્થકના જીવરાજભાઈ ફુલતરિયાના બંગલો ફેક્ટરી તેમજ અન્ય સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિલ્ડર મહેન્દ્ર પટેલની ઓફિસ તેમ જ તેમના ઘરે અને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક તેમની પ્રોજેક્ટ સાઈટ પર સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે તેમના કનેક્શનમાં ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તપાસ થઈ છે.
અગાઉ સૌરાષ્ટ્રને ગુજરાતના ઝવેરીઓ પર દરોડાની કામગીરી બાદ ફરી બિલ્ડરો અને મીલ માલિકો પર દરોડા પડતા સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાઓ ઉભી થઇ છે. બિલ્ડરો અને ફેક્ટરી સંચાલકોને ત્યાં તેમજ તેમના ભાગીદારોને ત્યાંથી આવકવેરા વિભાગે વ્યાપક પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો નો ચીઠ્ઠો ખોલ્યો છે.
સૌરાષ્ટ્રમાંથી તમામ ટીમને ‘અમદાવાદ’ તેડાવી લીધી
ગુજરાતમાં ભારે ચર્ચામાં રહેલા આવકવેરા વિભાગના અમદાવાદ મહેસાણા અને મોરબીમાં ચાલી રહેલા દરોડા માટે સૌરાષ્ટ્રમાંથી અધિકારીઓને અમદાવાદ અગાઉથી જ તેડાવી લેવાયા હતા. જેમાં રાજકોટ,ગાંધીધામની ટીમ બરોડાની એક દિવસ પહેલા જ અમદાવાદ પહોંચી ગઈ હતી. ગુરુવારે સાંજે આંખો કાફલો અમદાવાદ પહોંચી ગયા બાદ શુક્રવારે વહેલી સવારે 06:00 વાગ્યે એક્શન શરૂ કરી ઉદ્યોગકારોની ઠંડીને ઉડાડી દીધી હતી.
આખી રાત રાજકોટના બિલ્ડરો અને ટોચના ઉદ્યોગપતિઓ ‘ ટેન્શન’માં રહ્યાં…!!
” આવતીકાલે સવારે ઇન્કમટેક્સની રેઇડ છે..” તેવા એલર્ટ કરતાં મેસેજ ગુરુવાર સાંજથી જ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો તેમજ ઝવેરીઓના ગ્રુપમાં વાયરલ થયા હતા. એક તરફ જીએસટી ની કામગીરી ચાલી રહી છે તો જેમાં તાજેતરમાં રાજકોટમાંથી બોગસ બિલિંગમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેના કારણે એવી ચર્ચાઓ ટોક
ઓફ ધ ટાઉન બની હતી કે, સો ટકા રાજકોટમાં જ દરોડા છે અને બોગસ બીલિંગ સાથે સંકળાયેલા લોકોને ત્યાં જ આઈ.ટી.નું ઓપરેશન થશે તેવી અફવાઓ ચાલી હતી.
દરોડા દરમ્યાન પૂર્વ સાંસદ વેવાઈને ત્યાં પહોંચતા અધિકારીઓ “સ્તબ્ધ”!!
મોરબીમાં તીર્થક ગ્રુપના ફુલતરિયા રવિવાર ને ત્યાં ગઈ કાલથી ચાલી રહેલી તપાસની કામગીરી દરમિયાન બપોરના સમયે પૂર્વ સાંસદ મોહન કુંડારીયા એમના ઘરે પહોંચતા અધિકારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એવી વાતો પણ ચાલી રહી છે કે ,તીર્થંક ગ્રુપના ફુલતરિયા પરિવાર પૂર્વ સાંસદના વેવાઈ થાય છે. મોહનભાઈ કુંડારિયા તેમના વેવાઈને ત્યાં ગયા હતા તેવો વિડીયો વાયરલ થયો હતો.