બેટથી બોલરોને ડરાવનાર સેહવાગ હવે યમરાજ બનીને સામે આવ્યો, જાણો આ નવા લુક પાછળનું રહસ્ય ??
ક્રિકેટના મેદાન પર બોલરોના છક્કા છોડાવનાર વીરેન્દ્ર સેહવાગ હવે નવા રોલમાં જોવા મળશે. જે ખેલાડીએ પોતાની ધમાકેદાર બેટિંગથી દુનિયાભરના બોલરોમાં ખોફ પેદા કર્યો હતો, તે હવે યમરાજના અવતારમાં ફેન્સને ડરાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેની તસવીરો પાછળનું રહસ્ય હવે ખુલ્યું છે, અને ફેન્સ માટે આ મોટા સરપ્રાઈઝથી ઓછું નથી.
વીરેન્દ્ર સેહવાગે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સંપૂર્ણ યમરાજના લુકમાં જોવા મળી રહ્યો છે. કાળા વસ્ત્રો, મોટી મૂછો અને ભવ્ય અંદાજમાં સેહવાગને જોઈને ફેન્સ પહેલા તો ચોંકી ગયા હતા. આ પહેલીવાર નથી કે સેહવાગે આવો અનોખો લુક અપનાવ્યો હોય. આ પહેલા તે વૈજ્ઞાનિક ન્યૂટનના રૂપમાં સફરજન પડવાની રાહ જોતો, ડોક્ટરના સફેદ કોટમાં અને સ્કૂલ ટીચરના અંદાજમાં પણ તસવીરો શેર કરી ચૂક્યો છે. તેના આ સતત બદલાતા લુકને જોઈને ફેન્સ અટકળો લગાવી રહ્યા હતા કે આખરે સેહવાગ શું ધમાકો કરવાનો છે.

હવે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે. વીરેન્દ્ર સેહવાગ ટીવી અને OTTની દુનિયામાં હોસ્ટ તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે MX પ્લેયર પર 26 સપ્ટેમ્બરથી શરૂ થનારા લોકપ્રિય રિયાલિટી શો ‘રાઈઝ એન્ડ ફોલ સીઝન 2’ને હોસ્ટ કરશે. શોનો ધમાકેદાર પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે, જેમાં સેહવાગનો આ યમરાજ અવતાર જ મુખ્ય આકર્ષણ છે. પ્રોમોમાં તે ‘લાઈફનું સ્કોરકાર્ડ ચેક કરવા નીકળ્યો’ હોય તેવા ડાયલોગ સાથે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત
શોનું ફોર્મેટ પાવર અને રણનીતિ પર આધારિત છે. તેમાં કન્ટેસ્ટન્ટને બે કેટેગરીમાં વહેંચવામાં આવશે – ‘શાસક’ અને ‘વર્કર’. શાસકને તમામ સુવિધાઓ અને પાવર મળશે, જ્યારે વર્કરે સંઘર્ષ કરવો પડશે. ટકી રહેવા માટે ખેલાડીઓએ દરેક પળે પોતાની ગેમ બદલવી પડશે. ત્યારે ક્રિકેટના મેદાન પર બેટિંગ કરનાર સેહવાગ હવે હોસ્ટ તરીકે કેવો કમાલ બતાવે છે, તે જોવા માટે ફેન્સ આતુર છે. તેની હાજરહાસ્ય અને બેબાક કોમેન્ટ્રી શોને કેટલી ઉંચાઈ આપે છે, તે તો 26 સપ્ટેમ્બર પછી જ ખબર પડશે. એક વાત નક્કી છે, સેહવાગના આવવાથી ‘રાઈઝ એન્ડ ફોલ 2’માં મનોરંજનનો ડોઝ ડબલ થવાનો છે.
