લોકોને પોતાની દેશી કોમેડીથી હસાવનાર અને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે ઘર-ઘરમાં જાણીતા થયેલા ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. વાવ-થરાદ નજીક ભાભર પાસે હરિધામ ગૌશાળા નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર ફેલાતા જ તેમના લાખો ચાહકો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, મોટી સંખ્યામાં ચાહકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
ચંદન રાઠોડ મૂળ સુઈગામના વતની હતા અને વાવ-થરાદ પંથકના લગભગ પહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગણાતા હતા. સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદને પોતાની લોકબોલી અને અનોખી કોમેડી સ્ટાઇલથી યુવાનોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું હતું. તેઓ માત્ર હસાવતા નહોતા, પણ હાસ્યની સાથે સમાજને સાચી દિશા મળે તેવા સંદેશ પણ આપતા હતા. સોશિયલ મીડિયા ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ કામ કરીને પોતાના અભિનયનો જાદુ વિખેર્યો હતો.
સૌથી વધુ ચર્ચામાં છે તેમની છેલ્લી રીલ. અકસ્માતના માત્ર 4 કલાક પહેલા જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ અપલોડ કરી હતી, જેમાં તેમણે કોમેડી અંદાજમાં કહ્યું હતું કે, “જેનો ભરોસો નથી એનું નામ જિંદગી છે અને જેનો સો એ સો ટકા ભરોસો છે એનું નામ મોત છે.” તેમના નિધન બાદ આ શબ્દો ભાવુક કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
એટલું જ નહીં, 2 દિવસ પહેલા તેમણે એક બીજી રીલ પણ બનાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે બધાના 80ના ટ્રેન્ડના ફોટો જોઈને થાક્યો, 2080માં હું કેવો દેખાઈશ એવો ફોટો બનાવી આપ, જેમાં સળગતી ચિતાનો ફોટો આવ્યો હતો. લોકો હવે સવાલ કરી રહ્યા છે કે શું તેમને મોતનો અણસાર આવી ગયો હતો ?? સૌને હસાવનાર કલાકારની આવી અચાનક વિદાયથી ગુજરાતી મનોરંજન જગતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને કલાકારો તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
