ભાદરવામાં ગરમીનો પારો ઉંચકાયો : રાજકોટમાં 35.7 ડિગ્રી
સવારે ધુમ્મસ, બપોરના તાપ, સાંજે ઠંડક : ચોમાસામાં ત્રણ ઋતુનો અહેસાસ
રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાદરવા મહિનાએ કલર બતાવવાનું શરૂ કરી દીધું છે, ભારે વરસાદ બાદ હજુ પણ ચોમાસુ યથાવત છે ત્યારે છેલ્લા બે દિવસથી આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે, મંગળવારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 35.7 ડિગ્રીને વટાવી જતા બપોરે લોકોને અકળાવનારી ગરમીનો અહેસાસ થયો હતો.
ભાદરવા મહિનામાં આકરો તડકો પડવાની શરૂઆત થઇ ગઈ છે, છેલા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી રહ્યો છે ત્યારે મંગળવારે મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી રહ્યું હતું જયારે લઘુતમ તાપમાન 24.2 ડિગ્રી રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સીઝનમાં પણ સવારે ધુમ્મસ આવવાની શરૂઆત થઇ ગઈ છે અને સાંજના સમયે ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે હવામાં ભેજનું પ્રમાણ પણ સવારે 88 ટકા જેટલું રહેતા મિશ્રઋતુને કારણે રોગચાળો વકરે તેવા સંકેતો મળી રહ્યા છે.