જન્મ-મરણનો દાખલો કઢાવવા હવે પાંચ નહીં રૂા.૫૦ ચૂકવવા પડશે
૨૧ દિવસ સુધી નોંધણી નહીં કરાવી હોય તો બેની જગ્યાએ ૨૦, એક મહિનાથી એક વર્ષ સુધી નહીં કરાવી હોય તો પાંચ નહીં ૫૦ રૂપિયા ચાર્જ વસૂલાશે
એક વર્ષ કરતા વધુ સમય સુધી નોંધણી જ ન કરાવી હોય તો ૧૦૦ આપવા પડશે: સરકારના આદેશ બાદ ૧ એપ્રિલથી મહાપાલિકામાં અમલ શરૂ
રાજકોટ મહાપાલિકામાં દરરોજ હજારોની સંખ્યામાં જન્મ-મરણના દાખલા ઈશ્યુ થઈ રહ્યા છે ત્યારે હવે આ દાખલો મેળવવા ઈચ્છુક લોકોએ પાંચ રૂપિયાની જગ્યાએ ૫૦ રૂપિયા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. સરકારના આદેશ બાદ ૧ એપ્રિલથી નવો દર અમલી બની જશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
હવેથી ૨૧ દિવસ કરતાં વધુ સમય સુધી કોઈએ જન્મ કે મરણની નોંધણી નહીં કરાવી હોય તેની પાસેથી બેની જગ્યાએ ૨૦, એક મહિનાથી એક વર્ષ સુધી નોંધણી નહીં કરાવી હોય તો પાંચની જગ્યાએ ૫૦, એક વર્ષ કરતાં વધુ સમય સુધી નોંધણી ન કરાવી હોય તો ૧૦ની જગ્યાએ ૧૦૦નો ચાર્જ ભરવો પડશે.
આ ઉપરાંત રેકર્ડ શોધવાની ફી રૂા.૨ હતી જે હવે ૨૦, વધારાની શોધ કરવાની હોય તો ૨૦, જન્મ-મરણ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી ૫૦, રેકર્ડ ઉપર અપ્રાપ્ય પ્રમાણપત્રની ફી રૂા.૨ની જગ્યાએ ૨૦ વસૂલવામાં આવશે. જ્યારે માહિતી આપવામાં કોઈ ભૂલ હશે તો દંડની રકમ ૧૦૦થી લઈ ૨૫૦ સુધીની ભરપાઈ કરવી પડશે.