વિરાણી ટ્રસ્ટની જમીનના વિવાદમાં પૂર્વ વિદ્યાર્થી નેતાની રિવિઝન અરજી નામંજૂર
પરસોત્તમ પીપળિયાની પ્રાંત અધિકારી બાદ કલેક્ટરે પણ રિવિઝન રદ કરીને ટ્રસ્ટીની તરફેણમાં આપ્યો ચુકાદો
રાજકોટની મધ્યમાં આવેલ વિરાણી હાઈસ્કુલની જમીનના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આજે પૂર્વ વિદ્યાર્થી નેતાએ કરેલી રિવિઝન અરજી કલેક્ટરે ફગાવી દઈ વિરાણી ટ્રસ્ટની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.
સૌરાષ્ટ્રમાં ખુબ જ આદરભર્યું સ્થાન ધરાવતા શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની રાજકોટ શહેર સીટી સર્વે નંબર ૨૬૫૦/૧, ૨૬૫૦/૨ અને ૨૬૫૦/૩ વાળી મિલ્કતમાંથી ટ્રસ્ટ દ્વારા ૫૦૦૦ વાર જમીન વેંચવા માટે ચેરીટી કમિશનરની મંજુરી માંગવામાં આવી હતી.
વિરાણી ટ્રસ્ટની જમીન વેંચવા સામે પૂર્વ વિદ્યાર્થી નેતા પરસોતમ ભુરાભાઈ પીપળીયા સહિતના વિદ્યાર્થીઓએ સંગઠન બનાવી ટ્રસ્ટની જમીન વેંચવા સામે વિરોધ કરી ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા ગુજરાત હાઈકોર્ટે યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ચલણ આવ્યું હશે તો લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરાશે
જેની સામે પૂર્વ વિદ્યાર્થી નેતા પરસોતમ પીપળીયા દ્વારા ટ્રસ્ટની જમીન વેંચવા સામે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી જે અપીલ ચાલી જતાં પ્રાંત અધિકારીએ પક્ષકાર તરીકે જોડાવાની માંગણી નામંજુર કરી હતી. પ્રાંત અધિકારીના ઓર્ડર સામે કલેક્ટર સમક્ષ રિવિઝન કરી હતી. લાંબો કાનુની જંગ ખેલાયા બાદ ટ્રસ્ટી વતી રોકાયેલા એડવોકેટની રજુઆત અને પૂરાવાના ધ્યાને લઈને કલેકટરે પૂર્વ વિદ્યાર્થી નેતાની રિવિઝન અરજી નામંજુર કરી ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે, અરજદારનું વ્યક્તિગત હીત ન હોય ટ્રસ્ટની મિલ્કત સામે એક પૂર્વ વિદ્યાર્થી તરીકે રિવિઝન કરવાની કોઈ સત્તા નથી તેમ ઠરાવી અરજી રદ કરી હતી. આ કેસમાં પૂર્વ વિદ્યાર્થી નેતા પરસોતમ પીપળીયા દ્વારા નાયબ કલેક્ટર, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ઉપરાંત વિરાણી હાઉસ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રેયસ રમેશભાઈ વિરાણી ઉપરાંત ટ્રસ્ટી જયંતભાઈ દેસાઈ, રમેશકુમાર દુર્લભજી વિરાણી, કિશોરભાઈ નર્મદાશંકર ત્રિવેદી, હર્ષાબેન પ્રમોદભાઈ હપાણી, રાજશ્રીબેન આર. વિરાણી, ઉર્વીબેન એચ. વિરાણી, પ્રવિણાબેન પાંચાભાઈ ચોવટીયા, રસીલાબેન કમલેશભાઈ રામાણી, પાંચાભાઈ ભાણાભાઈ ચોવટીયા, ગુણવંતભાઈ વૃજલાલ ભાદાવી, જયંતીભાઈ પોપટલાલ રાજકોટીયા, ચંદ્રીકાબેન જયંતીભાઇ રાજકોટીયા, વિજય પુરૂષોતમભાઈ પટેલ સામે રિવિઝન કરી હતી જે નામંજુર કરવામાં આવી છે. આ તકે વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટ વતી રોકાયેલા એડવોકેટ પરેશ ઠાકરે જણાવ્યું હતું કે, પૂર્વ વિદ્યાર્થી નેતા પરસોતમ પીપળીયા સામે ટ્રસ્ટ માનહાનીનો | કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે.
