સાંસદ બન્યા પછી રાજકોટમાં ‘મદદ’ કાર્યાલય ખોલીશ : પુરુષોત્તમ રૂપાલા
રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા બન્યા વોઈસ ઓફ ડે'ના મહેમાન

આ કાર્યાલયમાં માત્રને માત્ર શહેરનો વિકાસ, લોકોના કલ્યાણ-ભલાઈનું જ કામ થશે
મારી જીત નિશ્ચિત’ને એ પણ પાંચ લાખ મતની લીડથી…
રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે તમામ પ્રયાસો કરાશે
જીત્યા બાદ હું રાજકોટમાં જ રહીને પ્રજાજનો સાથે કનેક્શન' જાળવી રાખીશ
શહેરના દરેક ઘર ઉપર નંબર લાગે તે દિશામાં કાર્યવાહી કરીશ

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા
વોઈસ ઓફ ડે’ મીડિયા હાઉસના મહેમાન બન્યા હતા અને અહીં તેમણે સાંસદ બન્યા બાદ રાજકોટના વિકાસ' અંગેની બ્લ્યુપ્રિન્ટ રજૂ કરી હતી. રૂપાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના સાંસદ બન્યા બાદ રાજકોટના લોકો માટે
મદદ’ કાર્યાલય ખોલવામાં આવશે જ્યાં માત્રને માત્ર શહેરના વિકાસ, લોકોના કલ્યાણ-ભલાઈનું જ કામ કરવામાં આવશે. ચૂંટણી અંગે તેમણે જણાવ્યું કે મારી પાંચ લાખ મતની લીડથી જીત નિશ્ચિત છે.

પુરુષોત્તમ રૂપાલાએ આગળ જણાવ્યું કે તેમને રાજકોટના લોકો તરફથી અપાર પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે જે તેમને ચૂંટણીમાં વિજયી બનાવવા માટે કાફી છે. તેમને મત આપનારા અને નહીં આપનારા બન્ને પ્રકારના લોકોનું તેઓ માન-સન્માન જાળવશે અને તેમના ભલાઈ વિશે રાત-દિવસ જોશે નહીં મતલબ કે લોકોની મદદ માટે તેમના દરવાજા ચોવીસેય કલાક ખુલ્લા રહેશે. અમરેલીમાં પણ તેમનું મદદ' કાર્યાલય કાર્યરત છે જ્યાં એક પણ પ્રકારની રાજકીય ચર્ચા થતી નથી. અહીં લોકોનું કલ્યાણ કેવી રીતે કરી શકાય તે જ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ રાજકોટમાં જ પોતાનું ઘર બનાવીને અહીં રહેશે અને લોકો સાથે
કનેક્શન’ જાળવી રાખવા માટે તત્પર રહેશે.

ખાસ કરીને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે ત્યારે તે અંગે રૂપાલાએ કહ્યું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને અહીં હાઈકોર્ટની બેન્ચ મળવાથી આખા સૌરાષ્ટ્રને ફાયદો મળી શકે તેમ હોવાથી તેના માટે તેમનાથી બનતા તમામ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવશે.

રૂપાલાએ ઉમેર્યું કે ભાજપે મને ઘણું બધું આપ્યું છે. હું પક્ષમાં પ્રમુખ, રાજ્ય સરકારમાં મંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના અનેક મહત્ત્વના પદ મને મળ્યા છે ત્યારે હવે ૨૦૨૪માં મને સૌરાષ્ટ્રના કેન્દ્રબિંદુ સમાન રાજકોટ લોકસભાની ટિકિટ મળી તે મારા માટે આનંદની વાત છે અને હું પક્ષે મારા પર મુકેલા વિશ્વાસ ઉપર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ.

હું દિલ્હીમાં રાજકોટનો અવાજ બનીશ તેમ કહી રૂપાલાએ જણાવ્યું કે રાજકોટ બેઠક ઉપર મારી સામે કોઈ જ પ્રકારનો પડકાર નથી અને હું અહીં સરળતાથી જીતી રહ્યો છું. આ વાત હું અહમ્પૂર્વક નહીં બલ્કે લોકો તરફથી મળી રહેલા પ્રેમ અને આદરને કારણે કહી રહ્યો છું.
આ મુલાકાત દરમિયાન સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, ભાજપ અગ્રણી મનિષભાઈ ભટ્ટ સહિતનાએ ખાસ ઉપસ્થિત રહી `વોઈસ ઓફ ડે’ના એમ.ડી.કૃણાલભાઈ મણિયાર, તંત્રી પરેશભાઈ દવે તેમજ સલાહકાર જગદીશભાઈ આચાર્ય સાથે મુક્તમને ચર્ચા કરી હતી.

ફિશરીઝ મંત્રી બન્યા બાદ ૪૫ દિ’માં માંડવીથી બંગાળ સુધીનો દરિયો ખેડ્યોવોઈસ ઓફ ડે'ની મુલાકાત દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૧૯માં ફિશરીઝ વિભાગની રચના કરવામાં આવી હતી અને આ વિભાગની જવાબદારી મને સોંપવામાં આવી હતી. મને આ વિભાગ વિશે બહુ વધુ ખ્યાલ ન્હોતો એટલા માટે મેં
સાગર પરિક્રમા’ કરવાનો નિર્ણય લઈને બોટ મારફતે માંડવીથી શરૂ કરી બંગાળના સમુદ્ર કિનારાની સફર કરી હતી. આ દરમિયાન મેં રાજકીય લોકો સાથે નહીં બલ્કે માછીમારો તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મળીને તેમની વ્યથા તેમજ અગવડ અંગે જાણકારી મેળવીને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

૧૭ કે ૧૮ એપ્રિલે રૂપાલા ભરશે ફોર્મ
રાજકોટ બેઠક પર પુરુષોત્તમ રૂપાલા આગામી ૧૭ કે ૧૮ એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પહેલાં તેઓ અલગ-અલગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર-પ્રસાર કરવા માટે પહોંચશે.

વોઈસ ઓફ ડે'નું મીડિયા હાઉસ નિહાળી રૂપાલા આફરિન: હકારાત્મક્તાના કર્યા વખાણ...
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ૪૫ મિનિટ સુધી
વોઈસ ઓફ ડે’ મીડિયા હાઉસમાં રોકાણ કર્યું હતું. અહીં તેમણે દરેક વિભાગની મુલાકાત લીધી હતી સાથે સાથે અખબાર દ્વારા પ્રસિદ્ધ કરાતી અલગ-અલગ સ્ટોરીનું રસપૂર્વક વાંચન કરી તેમાં અખત્યાર કરાતી હકારાત્મક્તાના ભરપેટ વખાણ કર્યા હતા. ખાસ કરીને તેમણે `વોઈસ ઓફ ડે’ની ફૂડસ્ટોરીનું વાંચન કરતાં કરતાં કહ્યું હતું કે અહીં ખાધેલો ચટણી-આઈસ્ક્રીમ હું હજુ સુધી ભૂલી શક્યો નથી.