રાજકોટમાં દોઢ ઇંચ, ગોંડલમાં પોણા બે ઇંચ
રાજકોટ સહિત રાજ્યભરમાં ગુરુવારે મેઘરાજાએ ફરી સટાસટી બોલવતા ૧૭૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં સાડા ચાર ઈંચ વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ ગુરુવારે સવારે ૬થી સાંજના ૬ વાગ્યા સુધીમાં મોટાભાગના તાલુકાઓમાં ૩મીમીથી લઈ પોણા બે ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં પોણા બે ઈંચ અને રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
ગુરુવારે વહેલી સવારથી જ રાજકોટ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ દિવસભર સટાસટી બોલાવવાનું જારી રાખતા સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૭૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર રિપોર્ટ મુજબ ગુરુવારે ગાંધીનગરના માણસામાં ૪.૨૯ ઈંચ, મહેસાણાના વિજાપુરમાં ૪.૨૫ ઇંચ, મહેસાણામાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં ૩.૩૫ ઈંચ, બનાસકાંઠાના ડીસામાં ૩.૧૯ ઇંચ, પાટણના સરસ્વતીમાં ૨.૬૮ ઇંચ, રાજકોટના ગોંડલમાં ૧.૫૭ ઇંચ, જેતપુરમાં ૧.૫૪ ઈંચ, રાજકોટ શહેરમાં ૧.૪૨ ઇંચ, જામકંડોરણામાં ૧.૩૦ ઈંચ, જસદણ અને કોટડામાં એક ઈંચ જયારે પડધરી અને ધોરાજીમાં ૪ મીમી અને ઉપલેટામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો.