શિવાજીની પ્રતિમા : વડાપ્રધાને મહારાષ્ટ્રની જનતાની માફી માંગવી જોઈએ
કોંગી નેતા રાહુલ ગાંધીએ સાંગલીમાં સભા સંબોધી વડાપ્રધાન પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા અંગે હજુ પણ રાજકારણ ચાલી રહ્યું છે. હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ અંગે કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધી ગુરુવારે મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે ગયા હતા. તેમણે સાંગલી જિલ્લામાં કોંગ્રેસના દિવંગત નેતા પતંગરાવ કદમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક જનસભાને સંબોધી વડાપ્રધાન મોદીને મહારાષ્ટ્રના દરેક વ્યક્તિ જોડે માફી માંગવાની માંગ પણ કરી હતી.
રાહલુ ગાંધીએ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર એ કોંગ્રેસની વિચારધારાનું ગઢ છે, અહીંના લોકોમાં અમારી પાર્ટીનું ડીએનએ છે. કોંગ્રેસ પાર્ટી અને અમારું ગઠબંધન સુનિશ્ચિત કરશે કે દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી થાય. હું જાણવા માંગુ છું કે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડતાં વડાપ્રધાને માફી માંગી એ પાછળ શું કારણ હતું. વડાપ્રધાને ન માત્ર શિવાજી મહારાજ, પરંતુ મહારાષ્ટ્રના દરેક વ્યક્તિથી માફી માંગવી જોઇએ.’
ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, ‘પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ આરએસએસના લોકોને આપવામાં આવ્યો હતો. . પ્રતિમા બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હતો, ચોરી થઇ, કદાચ આ માટે જ તેઓ (પીએમ મોદી) માફી માંગી રહ્યા છે. મહારાષ્ટ્રના લોકો સાથે ચોરી થઇ, તેમણે શિવાજી મહારાજની યાદમાં પ્રતિમા બનાવી અને એ પણ ધ્યાન ન આપ્યું કે આ પ્રતિમા ઉભી રહી શકે.’