વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
જમ્મુ-કાશ્મીરની કોર્ટે પોલીસને તપાસ કરી અહેવાલ માટે આપ્યો આદેશ
જમ્મુ-કાશ્મીરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા ચાંદીના ચઢાવામાં અંદાજે 550 કરોડ રૂપિયાથી વધુના નકલી ચાંદી અને મિલાવટના મામલે જમ્મુ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુનીશ કુમાર મન્હાસની અદાલતે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીને કેસના તમામ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સાથે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ હાઈપ્રોફાઈલ મામલાની આગામી સુનાવણી 29 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી આશરે 20 ટન જેટલી જમા ચાંદીને શુદ્ધતાની તપાસ, ઓગળવા અને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવી હતી. લેબ ટેસ્ટિંગના અહેવાલોમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખા જથ્થામાંથી માત્ર 5 થી 6 ટકા ચાંદી જ અસલી હતી. બાકીની અંદાજે 94 ટકા ચાંદી નકલી અથવા અત્યંત હલકી ગુણવત્તાની માલૂમ પડી હતી. જેમાં કેડમિયમ, લોખંડ અને અન્ય સસ્તા ધાતુઓની મોટા પાયે મિલાવટ કરવામાં આવી હતી. આ નકલી ચાંદીનું અંદાજિત મૂલ્ય 550 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: નેપાળમાં હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા
વરિષ્ઠ વકીલ દીપક શર્માએ આ મામલે સૌપ્રથમ 9 મેના રોજ આઈજીપી (ક્રાઈમ બ્રાન્ચ, જમ્મુ) અને એસએસપી (આર્થિક ગુના શાખા) સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, સરકારી રેકોર્ડમાં હેરફેર અને કેડમિયમ યુક્ત સામગ્રીના ગેરકાયદેસર ઉપયોગ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોઈ નક્કર એફઆઈઆર ન નોંધાતા, અરજદારે આખરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો.
ફરિયાદી વકીલે કહ્યું, તપાસ માત્ર કાગળ પર જ આગળ વધી રહી હતી
કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે ફરિયાદને વહીવટી મંજૂરી માટે શ્રીનગર હેડક્વાર્ટર મોકલવામાં આવી છે. આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવતા વકીલ દીપક શર્માએ દલીલ કરી હતી કે ફરિયાદને માત્ર કાગળ પર આગળ ધપાવવી એ કાયદાકીય કાર્યવાહી નથી. ક્રાઈમ બ્રાન્ચ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) પોતે એક નોટિફાઇડ પોલીસ સ્ટેશન છે. જેના એસપી સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે કામ કરે છે. તેથી, ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ’ BNSS મુજબ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક એફઆઈઆર નોંધીને તપાસ કરવી કાયદાકીય રીતે ફરજિયાત છે અને તેઓ આ મામલો અન્ય પોલીસ વિભાગ પર ઢોળીને પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.
