સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરો, સત્ય બહાર આવશે: કોંગ્રેસ
રજૂઆત કરવા ગયેલા આગેવાનોને સાંભળવાની જગ્યાએ પોલીસ કમિશનરે સીધું ગેટ આઉટ' કહ્યાનો આક્ષેપ: પ્રમુખ સહિત પાંચની અટકાયત
રજૂઆત વખતે કમિશનર કચેરીના દરવાજા બંધ કરી મીડિયાને પ્રવેશબંધી કરાતાં જોરદાર હોબાળો
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં તત્કાલિન ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠિયાની ધરપકડ કરાયા બાદ તેની પાસેથી કરોડો રૂપિયાની બેનામી મિલકત મળી આવી છે. આ મિલકત તેની પાસે ક્યાંથી આવી, કયા કયા રાજકારણી સાથે સાગઠિયાને
ઘરોબો’ હતો તે સહિતના મુદ્દે હજુ સુધી ન તો પોલીસ કે ન તો એસીબી સચોટ માહિતી ઓકાવી શકી ત્યારે કોંગ્રેસ દ્વારા હવે સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરીને સત્ય બહાર લાવવાની માંગ સાથે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને આવેદન આપવામાં આવ્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે કોંગ્રેસ સહિત રાજકોટની ૨૦ લાખ જનતા ઈચ્છી રહી છે કે અગ્નિકાંડ અને ભ્રષ્ટાચારનું સત્ય બહાર લાવવા માટે મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. નાર્કો ટેસ્ટ કરાો તો જ તેની પાછળ ભાજપના કયા નેતાઓ છે ? કોના કહેવાથી તેણે ભ્રષ્ટાચાર કર્યો તે સહિતની સત્ય વિગતો બહાર આવશે. સાગઠિયા અત્યારે રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસ દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવીને નાર્કો ટેસ્ટ કરાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
કોંગ્રેસ દ્વારા આ પ્રકારની રજૂઆત કરાતાં જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તમામને સીધું `ગેટ આઉટ’ મતલબ કે ઓફિસની બહાર નીકળી જવા માટે કહ્યાનું પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું જેના કારણે નેતાઓએ હોબાળો મચાવતાં અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી સહિતના નેતાઓની કચેરી પાસેથી જ અટકાયત કરી લેવામાં આવી હતી.
દરમિયાન કોંગ્રેસ નેતાઓ રજૂઆત કરવા ગયા ત્યારે મીડિયા કર્મીઓ પણ કચેરીએ પહોંચ્યા હતા પરંતુ તેમને પ્રવેશ ન મળે તે માટે કચેરીના દરવાજા જ બંધ કરી દેવાતાં જોરદાર હોબાળો થઈ જવા પામ્યો હતો અને પોલીસની નીતિરીતિ ઉપર માછલા ધોવાયા હતા.
કોંગ્રેસને ત્રણ વખત વોર્નિંગ' આપી છે કે ટોળાં લઈને ન આવો, મીડિયા માટે કોઈ પ્રવેશબંધી નથી: કમિશનર
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસને ત્રણેક વખત વોર્નિંગ આપવામાં આવી હતી કે તેઓ ટોળાંરૂપે કમિશનર કચેરીમાં ન આવે. આમ થવાથી અન્ય અરજદારોને તેની અસર પડી રહી છે. રહી વાત ગેઈટ બંધ કરવાની તો તે જાણીજોઈને બંધ કરવામાં આવ્યા ન્હોતા. કોંગ્રેસ દ્વારા માત્ર ફોન કરીને `અમે રજૂઆત કરવા આવીયે છીએ’ તેવું કહી દેવાય છે જે પણ વ્યાજબી નથી. પાછલા કિસ્સાઓમાં કોંગ્રેસ નેતાઓની સાથે મીડિયા કર્મીઓ અંદર આવી રહ્યા હતા પરંતુ તેઓ પણ કોંગ્રેસની સાથે સાથે જ હોવાથી જ્યારે અટકાયત કરવાની થાય ત્યારે મીડિયા કર્મીઓની અટકાયત થઈ શકે તેવી સ્થિતિ નિર્માણ પામી હોય આવું ન બને તે માટે જ કચેરીનો ગેઈટ બંધ કરી દેવાયો હતો. હું સ્પષ્ટતા કરીશ કે મીડિયાને કચેરીમાં કોઈ પ્રકારની પ્રવેશબંધી નથી અને કર્મીઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે મને મળી શકે છે. જો કે ટોળાંરૂપે આવવું કદાપી વ્યાજબી નથી. અમે કોઈનો અવાજ દબાવી રહ્યા નથી. માત્ર અફડાતફડી ન મચે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ.
આ પ્રકારે ગેઈટ કોના ઈશારે બંધ કરી દેવાયો ? કોંગ્રેસ
બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરની અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈ પાંચ વ્યક્તિ મળવા આવે તેવો તેમનો આદેશ હોય જે પ્રમાણે જ આગેવાનો ગયા તહા. જો કે પોતાની ઓફિસમાં મીડિયા ન આવી શકે તેવો તેમણે આગ્રહ રાખ્યો હતો જે વર્તન વ્યાજબી નથી. શાસક પક્ષના આદેશથી કામ કરતી પોલીસ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે માટે રજૂઆત સાંભળવા માંગતા નથી. બીજી બાજુ કચેરીનો ગેઈટ બંધ કોના ઈશારે કરાયો તે પણ ખુલાસો થવો જોઈએ.