સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ બાદ TMCના વધુ એક રાજ્યસભા સાંસદનું રાજીનામું
પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરૈકે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અઠવાડિયે પાર્ટી છોડનારા તેઓ ત્રીજા સાંસદ છે. તેમના પહેલાં વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ પણ રાજ્યસભા અને પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. આ ત્રણ રાજીનામાં બાદ ઉપલા ગૃહમાં TMCના સાંસદોની સંખ્યા ઘટીને માત્ર 10 થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી અઠવાડિયામાં વધુ ત્રણ સાંસદો રાજીનામું આપી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં હાર અને પાર્ટીમાં ચાલી રહેલા બળવા વચ્ચે આ રાજીનામા આવ્યા છે. ગયા અઠવાડિયે 80માંથી 65 ધારાસભ્યો અલગ થઈ મુખ્ય વિપક્ષી જૂથ બન્યા હતા. સંસદમાં પણ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં બળવાખોર સાંસદોને 20થી વધુ લોકસભા સભ્યોનો ટેકો હોવાનો દાવો છે. સયાની ઘોષ અને માલા રોય પણ બળવાખોર જૂથમાં જોડાયા છે. વિપક્ષ આ ઘટનાક્રમને TMCમાં વધતા વિખવાદ અને અસંતોષના સંકેત તરીકે જોઈ રહ્યો છે.
