સાગઠિયાની મિલકત ઝડપથી જપ્ત કરવા વધુ એક સીટ’ની રચના
મિલકત જપ્તી ઉપરાંત સાગઠિયાની કુલ સંપત્તિ કેટલી, તેનાં પત્ની-પરિવારજનોના બેન્ક એકાઉન્ટ, ક્યાં-ક્યાં રોકાણ, કોની-કોની સાંઠગાંઠ સહિતની તપાસ કરાશે
એસીબીના એડિ.ડાયરેક્ટર બીપિન આહિરે ઉપરાંત ડીવાયએસપી-બે પીઆઈ અને લીગલ એડવાઈઝર
સીટ’માં સામેલ
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ પાછળ જેની સૌથી મોટી લાપરવાહી છે તે મહાપાલિકાના તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા પાસેથી એસીબી દ્વારા અત્યાર સુધીમાં ૨૮ કરોડની બેનામી સંપત્તિ બહાર લાવવામાં આવી છે. બીજી બાજુ પકડાયેલી મિલકતો ઝડપથી સરકાર જપ્ત કરી શકે તે માટે ડાયરેક્ટર દ્વારા વધુ એક સીટ'ની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)માં એસીબીના એડિશનલ ડાયરેક્ટર બીપિન આહિરે ઉપરાંત એક ડીવાયએસપી, બે પીઆઈ તેમજ લીગલ એડવાઈઝર સહિતનાને સામેલ કરવામાં આવ્યા છે. આ
સીટ’ દ્વારા સાગઠિયા પાસે આખરે કેટલી બેનામી મિલકતો છે તેના મુળ સુધી જઈને તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સાગઠિયાનાં પત્ની, તેના પરિવારજનો ઉપરાંત સાગઠિયાને જેની સાથે કાયમી ઉઠક-બેઠક હતી તે લોકોના નામની યાદી તૈયાર કરી તેમના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત સાગઠિયાએ કઈ કઈ જગ્યાએ રોકાણ કરેલું છે તેની તપાસ કરવા ઉપરાંત સાગઠિયા સાથે ભ્રષ્ટાચારના આ પાપમાં કોણ કોણ ભાગીદાર છે તેના મુળ સુધી પહોંચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં સરકાર દ્વારા એક સીટની રચના કરાયા ઉપરાંત સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે ક્રાઈમ બ્રાન્ચની એક સ્પેશ્યલ ટીમ આ કાંડની તપાસ ચલાવી રહી છે ત્યારે હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. હવે આ સીટ કેટલા અંશે સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.
ટૂંક સમયમાં ઈડી-ઈન્કમટેક્સ પણ જોડાશે
સાગઠિયા પાસેથી ૨૮ કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે ત્યારે એક સરકારી અધિકારી પાસે આટલી મિલકત મળે એટલે સ્વાભાવિક પણે તેમાં કેન્દ્રીય એજન્સી જોડાતી હોય ટૂંક સમયમાં જ ઈડી તેમજ ઈન્કમટેક્સ પણ સાગઠિયાની સંપત્તિ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરશે. એકંદરે હવે સાગઠિયા કેન્દ્રીય એજન્સીના રડારમાં આવી ગયો હોવાથી આગામી સમયમાં મોટા ધડાકા-ભડાકા થયા વગર રહેશે નહીં.