અગ્નિકાંડની આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી: અનેકના શ્વાસ અધ્ધર
બદલી થયેલા અધિકારીઓ પ્રત્યે કોર્ટના વલણ પર સૌની નજર: સરકાર રચિત સીટ' તેમજ
સત્ય શોધક કમિટી’ના રિપોર્ટ બાદ ધારદાર કાર્યવાહીનો નિર્દેશ અપાય તેવા ભણકારા
ક્રાઈમ બ્રાન્ચે વહેલું ચાર્જશીટ રજૂ કરી દેતાં સરકારને બચાવનો એક મુદ્દો મળી ગયાનો ગણગણાટ
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી થવાની છે જેના પગલે અનેકના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા છે. અગ્નિકાંડના ત્રીજા જ દિવસે બદલી પામેલા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ, એડિશનલ સીપી વિધિ ચૌધરી અને ડીસીપી સુધીરકુમાર દેસાઈ સામે સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા ન હોય આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢીને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ અપાય છે કે નહીં તેને લઈને તરેહ તરેહની ગણતરીઓ ચાલી રહી છે.
ગત સુનાવણીમાં સરકાર રચિત સીટ' જેમાં સીનિયર આઈપીએસ સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓ સામેલ હતા તેમના દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ રજૂ કરી દેવાયો હતો. આ ઉપરાંત સરકાર દ્વારા રચવામાં આવેલી
સત્ય શોધક કમિટી’ દ્વારા પણ રિપોર્ટ રજૂ કરાયો છે જેમાં કોની કોની બેદરકારી હતી તેનો ઉલ્લેખ કરાયો હોવાથી હવે આ રિપોર્ટના આધારે ધારદાર કાર્યવાહી કરવાનો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
બીજી બાજુ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વહેલું ચાર્જશીટ રજૂ કરી દેતાં સરકારને બચવા માટે એક મુદ્દો મળી ગયાનો ગણગણાટ પણ જાણકાર લોકોમાં શરૂ થઈ જવા પામ્યો છે. એકંદરે આજે હાઈકોર્ટનું વલણ સરકાર તેમજ અધિકારીઓ પ્રત્યે કેવું રહે છે તેના પર આખા ગુજરાતની મીટ મંડાયેલી છે.