ડોલર સામે રૂપિયો મજબૂત બનતા ઈમ્પોર્ટ સસ્તું થવાની સંભાવના
- ટેરીફનો નિર્ણય ટ્રમ્પ માટે ‘આ બૈલ મુજે માર ‘ જેવો સાબિત થઇ રહ્યો છે
- ડોલર સામે રૂપિયો મજબૂત બનતાં આયાતો સસ્તી થવાની સંભાવના
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ટેરીફનો મામલો ‘ આ બૈલ મુજે માર ‘ જેવો સાબિત થઇ રહ્યો છે. એક તો ટેરીફ લાગુ કરીને આખી દુનિયાની નારાજગી વ્હોરી લીધી છે તો બીજી તરફ ડોલર અને ક્રુડ તૂટ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય રૂપિયાને સીધો લાભ થયો છે. આજે ડોલર સામે રૂપિયો 40 પૈસા સુધરી 85ની સપાટી અંદર પહોંચ્યો હતો. આ સાથે ભારતીય રૂપિયો આજે ડોલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો છે.
ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો 85.04 પર ખૂલ્યા બાદ ઘટી 84.99 થયો હતો. જે પાછલા સેશનમાં 85.44ના લેવલની તુલનાએ 40 પૈસા સુધારો દર્શાવે છે. ડિસેમ્બર, 2024 બાદ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 85 અંદર નોંધાયું છે.
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે મંદીના વાદળો ઘેરા બન્યા છે. જેના કારણે ડોલર ઈન્ડેક્સ સપ્ટેમ્બર, 2024 બાદની સૌથી નીચી સપાટી 101.73 પર પહોંચ્યો છે. જે માર્ચમાં 2.39 ટકા ઉછળ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં 2.16 ટકા તૂટ્યો છે. ડોલર ઈન્ડેક્સે હાલમાં જ 110.18ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદથી ડોલર છેલ્લા 15 દિવસમાં સતત ગગડી રહ્યો છે. જેના કારણે હાલ તે વાર્ષિક ધોરણે 6.16 ટકા અને ત્રિમાસિક ધોરણે 6.57 ટકાનો કડાકો નોંધાવ્યો છે.
ક્રૂડ ઓઈલની કિંમતો પણ કડડભૂસ થઈ છે. ઓપેક+ના ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ટ્રમ્પે ટેરિફ લાદતાં ક્રૂડ ઓઈલ છ ટકા સુધી તૂટ્યું છે. ભારત પોતાની જરૂરિયાતના 80 ટકાથી વધુ ક્રૂડ આયાત કરે છે. ક્રૂડના ભાવોમાં ઘટાડો અને ડોલરમાં પણ ગાબડાંના કારણે ભારતની ફોરેક્સ બચતમાં વધારો થવાની શક્યતા છે. ડોલર સામે રૂપિયો મજબૂત બનતાં આયાતો સસ્તી થવાની સંભાવના છે.
મંદીના ફફડાટ વચ્ચે શેરબજાર તૂટ્યુ : 9.5 લાખ કરોડનું નુકસાન
ટ્રમ્પનાં ટેરીફ નિર્ણય પછી વૈશ્વિક શેરબજાર તૂટ્યા છે અને તેની અસર શુક્રવારે ભારતના શેરબજાર ઉપર પણ પડી હતી. સેન્સેક્સ ઇન્ટ્રા ડે નરમ રહ્યો હતો અને કલોઝિંગ સમયે 930ક પોઈન્ટ તૂટીને 75364 ઉપર અને નિફ્ટી ૩૪૫ પોઈન્ટ તૂટીને 22904 ઉપર ટ્રેડ કરતા હતા. ડાઉ જોન્સ 1679.39 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. જે કોવિડ મહામારી (16 માર્ચ, 2020) બાદનો સૌથી મોટો કડાકો છે. નાસડેક પણ 1050.44 પોઈન્ટ તૂટ્યો હતો.
વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિ વચ્ચે સેન્સેક્સ 1054.81 પોઈન્ટ તૂટી 75240.55ના ઈન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. શેરબજાર કડડભૂસ થતાં સૌથી વધુ નુકસાન સ્મોલકેપના રોકાણકારોને થયું હતું અને સંપતિમાં 9.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયુ હતું.
ટ્રમ્પના ટેરિફ બાદ વૈશ્વિક બજારોમાં ફુગાવો વધશે. જેનાથી મંદીનું જોખમ પણ વધશે. ડોયશે બેન્કના અર્થશાસ્ત્રી બ્રેટ રયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પના ટેરિફથી આ વર્ષે અમેરિકાના જીડીપીમાં 1-1.5 ટકા સુધીનો ઘટાડો નોંધાશે. જેનાથી મંદીનું જોખમ વધશે. ભારતમાં હાલ આ પ્રકારનું કોઈ સંકટ જોવા મળ્યું નથી.