5 વર્ષ પછી સોનીબજાર માટે ‘ધનતેરસ’સુવર્ણ: 125 કરોડનો થયો વેપાર
સર્વોચ્ચ સપાટીએ પણ સોના સાથે ચાંદીના પણ સવાયો વેપાર થતાં ઝવેરીઓ માટે ‘લાભ-શુભવાળી’દિવાળી:60 ટકા લોકોએ જવેલરી અને 40 ટકાએ ફાઇન ગોલ્ડમાં કર્યું રોકાણ

વિક્રમ સંવત 2080 સોનુ અને ચાંદી બંને માટે સુવર્ણ સાબિત થયું છે. પાંચ વર્ષ બાદ ‘ધનતેરસ’ સોનીબજાર માટે સુવર્ણ રહી છે. એક દિવસમાં 125 કરોડની પીળી ધાતુ વેચાઈ છે. સોનાની સાથે ચાંદીમાં પણ સવાયો વેપાર થતાં લાંબા સમય બાદ ઝવેરીઓ માટે ‘ દિવાળી’ આવી હોય એમ કહી શકાય.
ધનતેરસના દિવસે સોનું અને ચાંદી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હોવા છતાં પણ પરંપરાગત રીતે ધનતેરસે થતી ખરીદીનો માહોલ વહેલી સવારથી મોડી રાત્રે સુધી જોવા મળ્યો હતો. સોની બજારમાં 1500 થી વધુ શોરૂમ અને દુકાનોમાં નાના વેપારીઓથી લઈને મોટા શોરૂમ સંચાલકોને માથું ઊંચું કરવાનો સમય મળ્યો ન હતો. ધનતેરસે પીળી ધાતુ ખરીદવી શુભ મનાય છે. પુષ્ય નક્ષત્ર પર સોની બજારમાં ઝાંખપ જોવા મળી હતી, જેની સામે ધનતેરસે બમણી ખરીદી નીકળી હતી. કોરોના પછીના સમયમાં સોની બજારમાં ધનતેરસ ફળી હોય તેવું ઝવેરીઓએ જણાવ્યું હતું.
એક વર્ષમાં સોનામાં 28% આકર્ષક રીટર્ન મળ્યું હોવાથી આજના દિવસે ઘણા રોકાણકારોએ ઊંચા ભાવે પણ ફાઈન ગોલ્ડ ખરીદ્યું હતું જેનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષમાં સોનાનો ભાવ એક લાખને પાર થઈ જાય તેવી શક્યતાઓ વચ્ચે 40% ગ્રાહકોએ ફાઈન ગોલ્ડમાં રોકાણ કર્યું હતું જ્યારે 60% લોકોએ લાઈટ વેઇટ જ્વેલરીથી લઈને હેવી ઓર્નામેન્ટ પર પસંદગી ઉતારી હતી.
ધનતેરસના દિવસે ચાંદીના સિક્કા, ચાંદીની લગડી તેમજ સોનાની ગીની અને લગડીની ખરીદી વધુ થઈ હતી. ઝવેરીઓના જણાવ્યા મુજબ ગ્રાહકે સરેરાશ ઓછામાં ઓછી 10 ગ્રામની ખરીદી કરીને શુકન સાચવ્યું હતું. ગોલ્ડ અને સિલ્વરની સાથે યુવાવર્ગમાં ડાયમંડ નો ક્રેઝ હોવાથી ધનતેરસે રિયલ ડાયમંડ ની જ્વેલરીનું વેચાણ પર સારું થયું છે. 24 કેરેટ ઉપરાંત 22 કેરેટ અને 18 કેરેટની જ્વેલરી પણ ડિમાન્ડમાં રહી હતી ખાસ કરીને એન્ટિક જ્વેલરી ની સાથે હવે રોઝ ગોલ્ડ, કુંદન જ્વેલરી, પ્લેટિનિયમ, લાઈટ વેટ પલ કલેક્શન, દુબઈ કારવીંગ જ્વેલરી સિલ્વર એન્ટિક તેમજ રજવાડી લાઈટ વેટ કલેક્શન પર લોકોએ પસંદગી ઉતારી હતી.
લાંબા સમય બાદ સોનીબજાર ખીલી:ભાયાભાઈ સાહોલિયા( પ્રમુખ, ગોલ્ડ ડીલર એસોસિએશન)
રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા જણાવે છે કે પાંચ વર્ષ બાદ રાજકોટના સોનીઓ માટે સુવર્ણકાળ આવ્યો છે એમ ચોક્કસ કહી શકાય આવી ઘરાકી લાંબા સમય પછી જોવા મળતા ઝવેરીઓના ચહેરા પર એક નોખી રોનક આવી ગઈ છે. હવે સામાન્ય લોકો પણ જાણી ગયા છે કે સોનુ સદાબહાર છે અને ચાંદીમાં પણ સવાયું રિટર્ન મળ્યું હોવાથી ગ્રાહકો પોતાની યથાશક્તિ મુજબ નાની મોટી ખરીદી કરી રહ્યા છે. હવે લગ્નની મોસમ પણ આવી રહ્યું હોવાથી શુકન સાથે પ્રસંગોની ખરીદી પણ ધનતેરસ એ નીકળી હતી.
આકર્ષક વળતરના લીધે ફાઇન ગોલ્ડની ધૂમ ખરીદી: મયુર આડેસરા( પ્રમુખ જેન્સ એન્ડ જ્વેલરી એસો.)
છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ વધી રહ્યા હતા આથી આવી ખરીદી નીકળશે તેવી અમને આશા હતી નહીં તેમ જણાવતા જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પ્રમુખ મયુરભાઈ આડેસરા અને સચિનભાઈ આડેસરાએ જણાવ્યું હતું કે લોકોએ ચાંદીના નાના સિક્કા થી લઈને ભારેખમ જવેલરી ધનતેરસના દિવસે ખરીદી છે. વહેલી સવારથી લઈને મોડી રાત્રે સુધી તમામ નાના-મોટા દુકાનદારો અને શોરૂમ વાળા ને ત્યાં ભરચકક ભીડ રહી હતી, જેની પાછળનું મુખ્ય કારણ આગામી દિવસોમાં પીળી ધાતુમાં ભાવ વધે તેવી ધારણા અને એક વરસમાં રોકાણકારોને 28 થી 33 ટકાનું આકર્ષક રીટર્ન મળ્યું હોવાથી સેફ હેવન સાબિત થયું હોય જેની પોઝિટિવ ઇફેક્ટ માર્કેટમાં લાંબા સમય પછી જોવા મળી.
સોના ચાંદીમાં લગડી અને સિક્કાની માંગ વધી: સોહમ સાહોલિયા
ધનતેરસ એ સામાન્ય રીતે પરિવારના વડીલો સોના ચાંદીની ખરીદીને શુકનવંતી ગણતા હોય છે પરંતુ આ વર્ષે સિનરિયો
બદલાયો હતો અને યુવાવર્ગએ સોના ચાંદીના સિક્કા અને લગડીની ખૂબ ખરીદી કરી હતી. સ્ટોક માર્કેટ કરતા સોનુ અને ચાંદી કમાણી માટે સર્વોપરી રહ્યા હતા જેના લીધે યુવાનોએ પોતાની બચત આ કીમતી ધાતુમાં ઇન્વેસ્ટમેન્ટ કરી છે .ધનતેરસે એક ગ્રામ થી લઇ એક કિલો સુધી ચાંદીના સિક્કા, ગોલ્ડમાં 10 મી.મી થી લઈ 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ,લગડી વેચાયા હતા. ખાસ કરીને લક્ષ્મીજી અને ગણપતિજી ના સિક્કાની વધુ ખરીદી થઈ હતી.