નાગાલેન્ડમાં આર્મીના જવાનો સામેની ફોજદારી કાર્યવાહી પર અદાલતની રોક
આતંકવાદી સમજી આઠ નાગરિકોને મારી નાખ્યા હતા
ડિસેમ્બર 2021 માં નાગાલેન્ડમાં આઠ નાગરિકોને આતંકવાદી સમજીને મારી નાખવાના કેસમાં આર્મીના જવાનો સામેની ફોજદારી કાર્યવાહી પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી હતી. જોકે તેનો આદેશ આર્મીને શિસ્ત બંગલા પગલા લેતા અટકાવતો નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
આ કેસમાં આર્મીના 30 જવાનો સામે કામ ચલાવવાની નાગાલેન્ડ સરકારની માંગણી કેન્દ્ર સરકારે ફગાવી દીધી હતી.AFSPA કાયદાનો અમલ થતો હોય તે વિસ્તારમાં આર્મી સામે કાર્યવાહી ન ચલાવી શકાય તે નિયમ આગળ ધરી કેન્દ્ર સરકારે ફોજદારી કાર્યવાહી કરવાની મંજૂરી ન આપતા નાગાલેન્ડ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાજ માંગી હતી. સર્વોચ્ચ અદાલતે 16 મી જુલાઈએ આ બાબતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. જો કે ભવિષ્યમાં સર્વોચ્ચ અદાલત કામ ચલાવવાની મંજૂરી આપે તો તેને પરિણામલક્ષી અંજામ મળવો જોઇએ તેવી ટિપ્પણી પણ સર્વોચ્ચ અદાલતે કરી હતી.
નોંધનીય છે કે આ ઘટનાની તપાસ માટે આર્મી દ્વારા વિશેષ તપાસ ટીમનું ગઠન કરી કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી જેમાં આર્મીના જવાનોએ ઓળખમાં થયેલી ભૂલને કારણે ગોળીબાર કર્યો હોવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
શું હતી નાગાલેન્ડને ભળકે બાળનાર આ ઘટના?
તા. 6 ડિસેમ્બર 2021ના રોજ નાગાલેન્ડમાં મ્યાનમાર સરહદ પાસે આવેલા ઓટિંગ ગામ નજીક ઉગ્રવાદીઓ હોવાના ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ બાદ ઓટિંગ અને તિરુ ગામ વચ્ચે આર્મીના 21 પેરા સ્પેશિયલ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ લોકો માર્યા ગયા હતા. હકીકતમાં માર્યા ગયેલા લોકો ઉગ્રવાદી નહીં પણ ઓટિંગ નજીકની કોલસાની ખાણમાં કામ કરતા મજૂરો હતા. તેઓ પોતાના ગામ તુરી જવા માટે એક પિકઅપ વાનમાં બેઠા તે પછી જવાનોએ તેની પર ગોળીબાર કર્યો હતો. સંસદમાં ગૃહ મંત્રી અમિત શાહે સેનાએ ભૂલથી શ્રમિકોને ટારગેટ બનાવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. દરમિયાન આ ઘટનાની જાણ થતાં લોકો ઉશ્કેરાયા હતા. અને ઝનૂની ટોળાએ આર્મીના જવાનો ઉપર હુમલો કરી કેટલાક વાહન સળગાવી દીધા હતા. એ સમયે આર્મીએ ફરી એક વખત કરેલા ગોળીબારમાં વધુ પાંચ નાગરિકોના મૃત્યુ નિપજતા મામલો અતિ સ્ફોટક બની ગયો હતો. બીજા દિવસે લોકોએ અસામ રાયફલના કેમ્પ ઉપર હુમલો કરતા જવાનોએ સ્વરાક્ષણમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી અને તેમાં એક નાગરિક અને સેનાના એક જવાનના મૃત્યુ થયા હતા.એકંદરે આર્મીના જવાનોએ કરેલા ગોળીબારમાં કુલ ૧૪ નાગરિકોના મૃત્યુ થયા હતા.