વિના સહકાર નહી ઉધ્ધાર : સહકારી પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્રને બિરદાવતા મુખ્યમંત્રી
જામકંડોરણા ખાતે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં આપી હાજરી
રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક વિશ્વાસનું પ્રતિક બની છે.
ગુજરાતની સહકારી ચળવળ મૂડીવાદ સામેનું વૈકલ્પિક મોડેલ છે.
જામકંડોરણા ખાતે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની સહકારી પ્રવૃત્તિથી ખેડૂતો, ખેતી, મહિલાઓ અને ગામડાઓ સક્ષમ બન્યા છે. આ વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રીના હસ્તે સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃધ્ધિના મંત્ર સાથે જે કાર્યમંત્ર આપ્યો છે તેના પગલે પગલે ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે, તે આઝાદી પહેલા અસહકારની ચળવળમાં અગ્રેસર હતું અને આજે સહકારિતા ચળવળમાં અગ્રેસર છે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા બેંક જનસેવા અને જનકલ્યાણનું કામ કરી રહી છે અને લોકોમાં વિશ્વાસનું પ્રતિક બની છે. તેમણે બેન્કની પ્રગતિ માટે જયેશભાઈ રાદડીયા અને અન્ય સૌ સભ્યોને અભિનંદન પણ આપ્યા હતા.
આ સાધારણ સભામાં સહકારી સંસ્થાઓમાં ૧૫ વર્ષથી વધુ સમય સુધી પ્રમુખ તરીકે સેવા આપનારા મહાનુભાવોનું શિલ્ડ અને પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અકસ્માત વીમા યોજના હેઠળ ૧૨ સભાસદોના વારસદારોને ૧૦-૧૦ લાખના ચેક આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલ, રામભાઈ મોકરિયા, દિલીપભાઈ સંઘાણી, રમેશભાઈ ટીલાળા, ભરતભાઈ બોઘરા, મહેન્દ્ર પાડલીયા, કાન્તીભાઈ અમૃતિયા, પ્રવિણાબેન રંગાણી, દુર્લભજીભાઈ દેથરીયા, મગનભાઈ સહિતના મહાનુભાવો તેમ જ રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીનું ચોપર ખરાબ હવામાનને પાછુ વાળવુ પડ્યુ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આજે જામકંડોરણા આવવાનું હતું અને આ માટે તેઓ વડોદરાથી ૩ વાગ્યે નીકળવાના હતા અને ચોપર ઉડ્યું પણ ખરું પરંતુ ખરાબ હવામાનને લીધે ચોપર પાછુ વળવું પડ્યું હતું અને તેમણે રાહ જોવી પડી હતી. આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગત વરસે પણ કોઈ કારણોસર આ સભામાં હું આવી શક્યો ન હતો અને આ વખતે પણ વડોદરામાં હવામાન ખરાબ હતું એટલે મને થયુ કે આ વખતે પણ અહી આવવુ કેન્સલ ન થાય તો સારું..પણ અડધો કલાક પછી ચોપર ઉડાડવાની મંજુરી મળી અને આજે હું તમારી સમક્ષ આવ્યો છું. આજે અહી આવવાનો મને વિશેષ આનંદ છે.
સભાસદો માટે ૧૫ ટકા ડીવીડન્ડ જાહેર કરતા જયેશ રાદડિયા
જયેશભાઈ રાદડિયાએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા બેંક ખેડૂતો, મંડળીઓ અને સભાસદો માટે કામ કરતી બેંક છે અને સૌના સહકારથી બેંક સારી કામગીરી કરી રહી છે.
તેમણે બેન્કનો ૨૦૨૩-૨૪ના વર્ષનો ચોખ્ખો નફો ૮૭ કરોડ થયાની અને સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમણે પારડી ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં કો-ઓપરેટીવ ટ્રેઈનીંગ સેન્ટર બનાવવાની જાહેરાત પણ કરી હતી.