10 લાખની ઉઘરાણી પ્રશ્ને બાંધકામના ધંધાર્થીનું અપહરણ કરી 6 શખસોએ મારમાર્યો
કોઠારીયા રોડ પાસેનો બનાવ : ધંધાર્થીને એક્ટીવામાં બેસાડી જઈ 22 લાખ આપવાના બાકી હોવાનો બળજબરીથી વિડીયો બનાવી લીધો
રાજકોટમાં કોઠારીયા રોડ પર સનાતન પાર્કમાં રહેતા બાંધકામના ધંધાર્થીનું 6 શખસોએ 10 લાખની ઉઘરાણીના પ્રશ્ને અપહરણ કરી જઈ તેને ઢોર માર માર્યો હતો.અને 22 લાખ પરત આપવાના છે તેવો વિડીયો બનાવી લેતા ધંધાર્થીએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગતો મુજબ કોઠારીયા રોડ પર સનાતન પાર્ક શેરી નંબર-1માં રહેતા મનસુખભાઇ આસોદરિયા નામના બાંધકામના ધંધાર્થીએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં કનૈયા ચોકમાં રહેતા દર્શિત સોરઠિયા,રામનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ ઠુમ્મર અને તેનો ભાઈ,હિતેશ ડોડીયા અને તેનો મિત્ર તેમજ જયનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓએ આરોપી દર્શિત પાસેથી રૂ.10 લાખ હાથ ઉછીના લીધા હતા.અને તેને તે પરત આપવાના હતા. ગત શનિવારના પોતાના ઘરે હતા.ત્યારે રાત્રિના આરોપી દર્શિત તેના મિત્ર સાથે એક્ટીવામાં મનસુખભાઇ ઘરે ઘસી આવ્યો હતો.અને મનસુખભાઇને તેમની એક્ટીવામાં બેસાડી અપહરણ કરી જઈ રામનગર સોસાયટીમાં લઇ ગયો હતો.
જયાં અન્ય આરોપી પહેલાથી હાજર હતા.અને મનસુખભાઇ પાસેથી પૈસાની ઉઘરાણી કરી તેમને બેલ્ટ વડે બેફામ માર માર્યો હતો.અને ફડાકા ઝીંક્યા હતા.તેમજ 22 લાખ આરોપીને પરત આપવાના છે તેવો ખોટો વિડીયો પણ બળજબરીથી બોલાવીને બનાવી લીધો હતો.જેથી આ મામલે મનસુખભાઇએ આજીડેમ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે 6 સામે ગુનો નોંધી તેમની શોધખોળ કરી છે.