પીસીબી ઈફેક્ટ: થોરાળા પોલીસે હજારો લીટર દારૂ-આથો પકડ્યો
અલગ-અલગ ૧૦ સ્થળે રાતથી સવાર સુધી દરોડા પાડી ૧૦ બૂટલેગરને દબોચ્યા: ૧૬ બોટલ વિદેશી દારૂ પણ મળ્યો: ભઠ્ઠીનો નાશ
પ્રિવેન્શન ઑફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) દ્વારા દેશી-વિદેશી દારૂના વેપલા ઉપર એક બાદ એક દરોડા પાડવાનું શરૂ કરાતાં જ સ્થાનિક પોલીસ ઉપર કામગીરી બતાવવાનું દબાણ આવી પડ્યું છે. બીજી બાજુ પોલીસ કમિશનરને દેશી દારૂની ભઠ્ઠી તેમજ વિદેશી દારૂની હેરાફેરીથી સખ્ત નફરત હોય તેમણે સ્ટાફને આ બદીને કાબૂમાં કરવા આદેશ આપતાં જ તમામ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. દરમિયાન દેશી-વિદેશી દારૂના વેચાણ તેમજ ઉત્પાદન માટે હબ ગણાતાં થોરાળા વિસ્તારમાં પીસીબી ત્રાટકે તે પહેલાં જ થોરાળા પોલીસે મધરાતથી લઈ સવાર સુધી ઓપરેશન ચલાવી હજારો લીટર દેશી દારૂ-આથો પકડી પાડ્યો હતો.
થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલાના માગદર્શન હેઠળ પીએસઆઈ સી.વી.ચુડાસમા સહિતના સ્ટાફે અલગ-અલગ દસ સ્થળે દરોડા પાડીને ૨૬૦ લીટર દેશી દારૂ, ૨૨૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ બનાવવા માટે ભઠ્ઠીના સાધનો તેમજ ૧૬ બોટલ વિદેશી દારૂ મળી કુલ ૧,૨૨,૫૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે સાત મહિલા સહિત ૧૦ લોકોની ધરપકડ કરી હતી.
અમુક સ્થળે તો પોલીસ ત્રાટકી ત્યારે દારૂ બનાવવાનું ચાલું જ હોવાનું ધ્યાન પર આવતાં પોલીસે તાત્કાલિક અસરથી દારૂ સહિતનો નાશ કર્યો હતો.