રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૧ થી ૭ જુલાઈ સુધી ચાલશે ઝુંબેશ
રાજકોટમાં ૧ થી ૭ જુલાઈ સુધી ચાલનારી ઝુંબેશમાં હોસ્પિટલ કેમ્પસને સંપૂર્ણ સ્વચ્છ અને સુવ્યવસ્થિત કરાશે
રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થામાં સુધારો લાવવાના ઉમદા હેતુથી બુધવારે *’નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ કેમ્પસ સ્થિત નર્સિંગ કોલેજ ખાતેથી પણ આ મહાઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભાયાસર ગામમાં ગટર લાઈનના વિવાદમાં જૂથ અથડામણ
રાજકોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ ટીલાળાએ વડાપ્રધાન દ્વારા શરૂ કરાવવામાં આવેલા સ્વચ્છતા અભિયાનને માત્ર એક કાર્યક્રમ ન રાખતા તેને *’જન આંદોલન’ બનાવવા માટે સૌને અપીલ કરી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફને જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે *’ડોક્ટર્સ ડે’ ની શુભેચ્છાઓ પાઠવી હતી. પશ્ચિમ બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી અને દેશના મહાન તબીબ ડૉ. બી. સી. રોયની યાદમાં ઉજવાતા આ દિવસ નિમિત્તે તબીબોના યોગદાનને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે, તા. ૧ થી ૭ જુલાઈ સુધી ચાલનારા આ *’નમો સ્વચ્છતા અભિયાન’માં આગામી સાત દિવસમાં હોસ્પિટલ અને મેડિકલ કેમ્પસના તમામ વિભાગોને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુવ્યવસ્થિત કરવાના છે. કલેક્ટરે તમામ સ્ટાફને પોતાના કાર્યક્ષેત્રમાં આવતી ખામીઓ જેવી કે – લટકતા વાયરો, જૂના અને ફાટેલા પોસ્ટરો, ભંગાર કબાટો, તૂટેલી બારી-બારણાં કે કાચ, બંધ પડેલા પંખા અને લાઈટો તેમજ બલ્બ વગેરેને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરવા અથવા બદલવા સૂચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પી.ડી.યુ. હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. દુસરાએ હોસ્પિટલની કામગીરી અને તેની વિશેષતાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જ્યારે કાર્યક્રમના અંતે આભારવિધિ સી.ડી.એચ.ઓ. ડૉ. પરેશ જોશીએ કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મોનાલી માકડીયા તેમજ મેડિકલ કોલેજના કર્મયોગીઓ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
